- દેવભૂમિદ્વારકામાં માતાએ બાળકીને માર મારતા વીડિયો વાઈરલ
- વાઈરલ વીડિયોને જોતા ચાઈલ્ડ વેલફેર કમિટીએ બાળકીની કરી મદદ
- કમિટીની મદદથી પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી
દેવભૂમિદ્વારકાઃ જિલ્લામાં ખંભાળિયા ખાતે નારાયણનગર રામનાથ સોસાયટીમાં રહેતી રાજુલા ભોગયાતા નામની મહિલાએ પોતાની 10 વર્ષની બાળકીને માર માર્યો હતો. સાથે જ આ મહિલાએ બાળકીને સાણસી વડે ગરમ ડામ આપ્યા હતા. આ ઉપરાંત બાળકીને પાઈપ વડે માર મારવામાં આવ્યો હતો. જોકે, આ મહિલાએ પોતાનો ગુસ્સો 10 વર્ષની બાળકી પર ઉતાર્યો હતો. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે, તેણે માતાને પૂછ્યા વગર પુરી અને લાડુ ખાઈ લીધા હતા.
આ પણ વાંચો- મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા
વાઈરલ વીડિયો ચાઈલ્ડ વેલફેર કમિટી સુધી પહોંચતા મહિલા ઝડપાઈ
આ મહિલા બાળકીને મારતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. જોકે, આ વીડિયો દેવભૂમિદ્વારકા ચાઈલ્ડ વેલફેર કમિટી સુધી પહોંચતા તેમણે બાળકીનું કાઉન્સેલિંગ કર્યું હતું. તે દરમિયાન બાળકી પર થયેલા અત્યાચારની જાણ થતા વેલફેર કમિટીએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે રાજુલા ભોગાયતા નામની મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો- છોટાઉદેપુરમાં 2 પરિવારે ભેગા મળીને પ્રેમી પંખીડાઓને ઝાડ સાથે બાંધીને માર્યા, વીડિયો વાઇરલ થતા 9ની ધરપકડ
બાળકીનો પિતા ચૂપચાપ જોતો રહ્યો
બાળકીના જણાવ્યા મુજબ, તેની માતા તેને મારી રહી હતી. તે દરમિયાન તેના પિતા તેને બચાવવાની જગ્યાએ ચૂપચાપ બેસી રહ્યા હતા. એટલે કે આ બાળકીને બચાવનારું કોઈ જ નહતું. સદનસીબે બાળકીનો આ વીડિયો વાઈરલ થતા ચાઈલ્ડ વેલફેર કમિટી બાળકીની મદદ માટે આગળ આવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. જોકે, પકડાયેલી મહિલાએ સમગ્ર દોષનો ટોપલો તેની બાળકી પર નાખી દીધો હતો.