દ્વારકા: વાવાઝોડાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 હજાર જેટલા વીજપોલને નુકસાન થયું છે. એવી આશા છે કે આવતીકાલથી જનજીવન પૂર્વવત થઇ જશે. બિપરજોય વાવાઝોડાનું સંકટ ટળતાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભગવાન દ્વારકાધીશની વિશેષ વંદના કરતા આજે ભગવાનને બાવન ગજની ધજા અર્પણ કરી હતી. આ સાથે દ્વારકા તેમજ રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી.
દ્વારકાધીશને ધજા અર્પણ કરાઇ: દ્વારકામાં હર્ષ સંઘવીએ જગત મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધજાનું શોડષોપચારથી પુજન કર્યું હતું. અહીંના આચાર્યોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું હતું. બાદમાં ભગવાન દ્વારકાધીશને આ ધજા અર્પણ કરાઇ હતી અને આ ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી હતી. વાવાઝોડાનું સંકટ ટળતાં લોકસુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, જિલ્લા પ્રમુખશ્રી મયુર ગઢવી, રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડે વગેરે ધજાના આરોહણમાં સાથે જોડાયા હતા.
પુનઃ ધજારોહણ શરૂ: ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનું સંકટ ટળતાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર આજ સાંજથી પુનઃ ધજારોહણ શરૂ થયું છે. આવતીકાલથી પાંચેય સમયની ધજાઓ ચડાવવામાં આવશે, તેમજ તમામ દર્શનનો સમય રાબેતા મુજબ થઈ જશે. ગુજરાત પર કાયમ સોમનાથ મહાદેવ તેમજ ભગવાન દ્વારકાધીશની કૃપા રહી છે અને તેમની કૃપાથી આવતીકાલથી બધું જનજીવન વ્યવસ્થિત રીતે પેહલાની જેમ થઈ જશે.
કોઈ જાનહાનિ નહિ: 'બિપરજોય' થી નુકસાની અંગે તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડામાં કોઈ જાનહાનિ થઈ નથી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ અને તેઓના સતત નિરીક્ષણને પગલે આ કુદરતી પ્રકોપ સામે આપણે ઝીરો કેઝ્યુઆલિટી જાળવી રાખી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 240 ગામડાઓમાં વાવાઝોડાથી આશરે 10 હજાર જેટલા વીજપોલ પડી ગયા છે. જ્યારે વૃક્ષો પણ પડી ગયા છે. આ વૃક્ષો હટાવવાની કામગીરી પૂરજોશમાં છે, તેમજ વીજ પુરવઠો પણ પૂર્વવત થઈ જશે.