- દેવભૂમિ દ્વારકામાં બે મિત્રઓએ દેશી પદ્ધતીથી બનાવ્યું ફ્લોમીટર
- ઘણીવાર સર્જીકલ સામાનની અછતને કારણે દર્દીના જીવ જાય છે
- લોકોને વિનામૂલ્યે આપવાનો બંન્ને મિત્રનો નિર્ધાર
દેવભૂમિ દ્વારકા: કોવિડ-19 ના સંક્રમણ વધતા દર્દીઓમાં પણ વધારો થઈ રહયો છે. ઓકસીજનના બાટલાં / પાઇપલાઇનમાં એક મહત્વનું ઉપકરણ ફલોમીટર છે. આ ફલોમીટરથી દર્દીને ઓકસીજનનો પુરવઠો આપવામાં સરળતા રહે છે.
સર્જીકસ સામાનની અછતને કારણે જીવ જાય છે
સર્જીકલ આઇટમોની અછતના કારણે ઓકસીજનની વ્યવસ્થા હોવા છતાં ઓકસીજનની જરૂરીયાતવાળા કોરોના દર્દીઓને ઓકસીજન આપી શકાતો નથી. ખાસ કરીને ઘરમાં સારવાર લેતાં આવા દર્દીઓને ફરજીયાત ઓકસીજન પુરવઠો હોય તેવી હોસ્પીટલમાં દાખલ થવું પડે છે. ઓકસીજન માટે આવશ્યક ફલોમીટરની અછત છે, આવા સંજોગોમાં દેશી પધ્ધતિથી આ આવશ્યક ઉપકરણ બનાવી શકાય તે માટે એક ઇલેકટ્રોનીકસની દુકાન ધરાવતાં અને મીટરની જાણકારી ધરાવતાં જેસાભાઇ પીંડારીયા અને તેના ભાઇબંધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુની ફોટ સબ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતાં શ્રી જયેશભાઇ પીંડારીયાએ બીડું ઝડપ્યું.
આ પણ વાંચો : દર્દી પાસે રહેઠાણ પ્રમાણપત્ર ન હોય તો પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ
બે મિત્રોએ ભેગા મળી કર્યું સંસોધન
સગા સંબંધી / દર્દીઓની ઓકસીજન ફલોમીટરની સતત પુછપરછ આવતાં બન્ને મિત્રોએ કંઇક સંશોધન કરીને આ મુશ્કેલીનું સમાધાન લાવવામાં લાગી પડ્યા હતા. જો આમાં સફળતા મળે તો કેટલાંયે દર્દીઓને નવજીવન મળી શકે. એમ વિચારી પોતાની દુકાનનો કામ ધંધો છોડી સંશોધન શરૂ કર્યું હતું. ફલોમીટર અત્યારે બજારમાં સાત થી આઠ હજારમાં મળે છે ત્યારે આ બંને મિત્રોએ પાણીની બોટલ, આર.ઓ. કનેકટર, ઓકસીજનના યુનીયન મીટર દ્વારા ઓકસીજન કન્ટ્રોલ કરી ઓકસીજન ફલોમીટરની અવેજીમાં ઉપકરણ બનાવ્યું હતું. આવા 15 ઉપકરણ બનાવી જરૂરીયાતવાળા દર્દીઓને ફલોમીટર (દેશી) બનાવી દર્દીઓને આપવામાં આવ્યા હતા.
જરૂરીયાતમંદને વિનામૂલ્યે આપવા ફ્લોમીટર
તૈયાર કરેલા ફલોમીટર સારી રીતે કામ કરતાં હવે બીજા વધુ 50 જેટલાં ફ્લોમીટર બનાવી, જરૂરીયાતવાળા દર્દીઓને ફ્રીમાં આપવા આ બંને મિત્રોએ નિર્ધાર કર્યો છે. અને આ રીતે બંને મિત્રો કોરોના દર્દીઓની સેવામાં જોડાઇ ગયા છે. વધુ 50 દર્દીઓની નોંધણી થઇ જતાં તેઓ આ દેશી ઓકસીજન ફલોમીટર બનાવવાની તૈયારીમાં લાગી પડયા છે.