- ડાંગ જિલ્લામાં ક્ષય ફોરમની બેઠક યોજાઈ
- કલેક્ટરે ઉપયોગી સૂચનો રજુ કરી સેવાઓને બહેતર બનાવવાનો અનુરોધ કર્યો
- વર્ષ 2020ના લક્ષ્યાંક સામે હાંસલ કરેલી સિદ્ધિઓની વિગતો પણ કલેક્ટરે મેળવી
ડાંગઃ જિલ્લામાં ક્ષય ફોરમની બેઠક યોજાઈ હતી. સામાજિક અને રાજકીય કટિબદ્ધતા સાથે વ્યાપક લોક સહયોગ કેળવીને આ રાજરોગને દેશવટો આપવા માટે દર્દીઓ સુધી જરૂરી સેવાઓ પહોચાડવાના પ્રયાસોની જાણકારી મેળવતા કલેક્ટરે ઉપયોગી સૂચનો રજુ કરી સેવાઓને બહેતર બનાવવાનો અનુરોધ કર્યો હતો.
ટી.બી.ફોરમના સભ્યોના સૂચનો તથા મંતવ્યો કલેક્ટરે મેળવ્યાં
જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહીત ખાનગી તબીબો, કોમ્યુનીટી બેઝ ફર્માંસીસ્ટ, ગામના આગેવાનો વગેરેનો પણ આ કાર્યક્રમમા સહયોગ મેળવવા માટેના સુચારુ આયોજનનો ખ્યાલ આપતા કલેક્ટર ડામોરે ટી.બી.ફોરમના સભ્યોના સૂચનો તથા મંતવ્યો પણ મેળવ્યા હતા. ડાંગ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોંધાતા દરેક દર્દીઓના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોય તે સુનિશ્ચિત કરવા સાથે, સને 2020ના લક્ષ્યાંક સામે હાંસલ કરેલી સિદ્ધિઓની વિગતો પણ મેળવી હતી.
ટી.બી. મુક્ત કરવા માટે દર્દીઓને યોજનાઓના લાભ આપવામાં આવ્યાં
વર્ષ 2019 દરમિયાન 294 દર્દીઓને ટી.બી. મુક્ત કરવા સાથે વર્ષ 2020 દરમિયાન 238 દર્દીઓને ટી.બી.ની સારવાર હેઠળ મૂકી તેમને મળવાપાત્ર તબીબી સારવાર અને આર્થિક સહાયની વિવિધ યોજનાઓનો લાભ આપવાનુ શરુ કરાયુ છે, તેમ જણાવતા જિલ્લા ક્ષય અધિકારી ડો.પૌલ વસાવાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કામગીરીની વિગતો રજુ કરી જરૂરી જાણકારી પૂરી પાડી હતી.
બેઠકમાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
જિલ્લા સેવા સદન આહવાના સભાખંડમા યોજાયેલી આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત, તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.કે.શર્મા સહીત ટી.બી.ફોરમના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.