ડાંગ : 14મી ફેબ્રુઆરી 2019ના દિવસે ભારતભરના યુવાવર્ગ વેલેન્ટાઈન દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતો, તે દિવસે ભારતીય સેના ઉપર અચાનક જ પુલવામાં ખાતે આતંકી હુમલો થતાં આ હુમલામાં 44 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા. જેના પગલે સમગ્ર દેશમાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી. જેને આજે એક વર્ષ વીતી ગયું છે.
14મી ફેબ્રુઆરી એટલે યુવાવર્ગનું વેલેન્ટાઈન દિવસ, પરંતુ પુલવામાના આતંકી હુમલા બાદ મોટાભાગના દેશપ્રેમી યુવાનોએ 14મી ફેબ્રુઆરીનો દિવસ વેલેન્ટાઈન દિવસ તરીકે ને પડતો મુકી દેશને માટે પોતાની અમૂલ્ય કુરબાની આપનાર શહિદોને કોટી કોટી શ્રદ્ધાંજલિ શહીદ દિવસની ઉજવણી કરી હતી.
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાના શહીદ સ્મારક ખાતે પણ શુક્રવારે આહવા નગરના ગ્રામજનો સહિત યુવાનોએ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. અહીં શહીદ સ્મારક ખાતે મોટી સંખ્યામાં આહવા નગરના ગ્રામજનો તથા યુવા વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.