ડાંગ: રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન તથા ડાંગ જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન આહવા ખાતે સવારે બેઠકનું આયોજન થયું હતું.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી,કલેકટરશ એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણિયા તથા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ મંડળ,આયોજનના કામોની સમીક્ષા, વૃક્ષારોપણ, પાણી પુરવઠા અને સુજલામ સુફલામ સિંચાઇ, મનરેગાના કામો અંગે બેઠક યોજાઇ હતી.
રમણલાલ પાટકરે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામે જંગ લડીને રાજ્યમાં સૌપ્રથમ કોરોનામુક્ત બનેલા ડાંગ જિલ્લાને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. આ સાથે કોરોના મહામારીમાં કામ કરનાર સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની ટીમની કામગીરીને બિરદાવી હતી.
તેમણે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કે તમામ કામો આયોજનપૂર્વક અને સમયસર તથા લોકોની કોઇ ફરિયાદ ન રહે તે મુજબ કામો કરવા જોઇએ. ચોમાસા દરમિયાન કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચન કર્યું હતું.
કલેક્ટર એન.કે.ડામોરે પ્રભારી મંત્રી રમણલાલ પાટકરનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં આદિજાતિ વિકાસ મંડળના કામો, આયોજન મંડળ,વૃક્ષારોપણ પાણી પુરવઠા,મનરેગા,સુજલામ સુફલામ સિચાઈના કામોની સમીક્ષા કરવાની રહેશે. સબંધીત અમલીકરણ અધિકારીઓએ બાકી રહેતા કામો આગામી ડિસેમ્બર માસ સુધીમાં પુરા કરવાના રહેશે.
જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ડેરી વિકાસને વેગ મળ્યો છે.ડાંગ જિલ્લાને ગત વર્ષે 47 કરોડની આવક દૂધમાંથી મળી હતી. કુલ 4,863 સભાસદો પશુપાલન વ્યવસાયમાં જોડાયા છે.
પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરાએ જણાવ્યું હતું કે વર્ષ 2018-19 માટે ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ રૂ.
10.66 કરોડના ખર્ચે પાક વ્યવસ્થા,પશુપાલન, વન વિકાસ,સહકાર,માર્ગ અને પુલ,આવાસ,પોષણ જેવા કુલ- 181 કામો મંજૂર થયેલા હતા જે પૈકી 157 કામો પુર્ણ કરવામાં આવ્યા છે. અને 15 કામો પ્રગતિ હેઠળ છે.
વર્ષ 2019-20માં 10.73 કરોડના ખર્ચે કુલ 197 કામોની વહીવટી મંજૂરી અપાઇ હતી. જે પૈકી 10.72 કરોડ ના ખર્ચે 159 કામો પૂર્ણ કરાયા છે અને ૨૫ કામો પ્રગતિ હેઠળ છે.
જ્યારે વર્ષ 2020-21 માં કૃષિ,પશુપાલન,ડેરી વિકાસ , ગ્રામવિકાસ,સિંચાઇ, પોષણ, શ્રમ અને રોજગાર જેવા કામો કરવામાં આવશે જેમાં આહવા તાલુકામાં 644 કરોડના 116 કામો,વઘઇ તાલુકામાં 4.27 કરોડના 83 કામો અને સુબિર તાલુકામાં 3.63 કરોડના ખર્ચે 78 કામોનું આયોજન કરાયું છે.
જિલ્લા આયોજન અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધિન જોગવાઇ,પ્રોત્સાહક યોજના,ધારાસભ્ય ફંડ,વિકાસશીલ તાલુકા,રાષ્ટ્રિય પર્વ,એમ.પી.ફંડ,એ.ટી.વી.ટી.યોજના જેવી તમામ યોજનાઓ 24.10 કરોડના ખર્ચે ૬૪૭ કામોની વહીવટી મંજૂરી અપાઇ હતી. જે પૈકી 20.80 કરોડના 600 કામો પૂર્ણ કરાયા છે. 47 કામો પ્રગતિ હેઠળ છે. વર્ષ 2019-20 માટે 23.80 કરોડના ખર્ચે 636 કામોની વહીવટી અપાઇ હતી જે પૈકી 14.80 કરોડના ખર્ચે 410 કામો પૂર્ણ અને 224 પ્રગતિ હેઠળ છે.
કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા ડી.બી.પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે માત્ર 2 ગામોને જ ટેન્કર દ્વારા પાણી પુરૂ પડાયું હતું. ઉનાળાની સિઝનમાં પાણીના સ્તર નીચા જવાના કારણે પાણીની મુશ્કેલી ઉભી થાય છે. રમણલાલ પાટકરે કુવા-બોર રીચાર્જ કરવા સૂચન કર્યું હતું.
ઉત્તર ડાંગ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે આગામી ઓગષ્ટ માસ દરમિયાન વનમહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં બંને વન વિભાગ મળીને કુલ 30 લાખની વધુ વૃક્ષો વાવવામાં આવશે.
કાર્યપાલક ઇજનેર બી.બી.પટેલે જણાવ્યું હતું કે સુજલામ સુફલામ સિંચાઇ યોજના અંતર્ગત કુલ 220 કામો પૈકી 208 કામો પૂર્ણ થયેલ છે.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં મનરેગા યોજના હેઠળ કામો 66 ગ્રામ પંચાયતો દ્વારા કામો ચાલુ છે. જેમાં 5006 જેટલા લોકો રોજગારી મેળવી રહયા છે. પી.એમ.આવાસ યોજના હેઠળ વર્ષ 2017-18 માં 1190 ના લક્ષ્યાંક સામે 62 ટકા પૂર્ણ થયેલ છે.
પ્રભારી મંત્રી પાટકર સહિત મહાનુભાવોએ પશુ સારવાર માટે ડાંગ જિલ્લાને ફાળવવામાં આવેલ મોબાઇલ વાનનું લોકાર્પણ કર્યું હતું. સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ 9 વાન ફાળવવામાં આવેલ છે. જેનો જિલ્લા સેવાસદન ખાતેથી શુભારંભ થયો હતો. પશુધનના આરોગ્યની તકેદારી રાજ્ય સરકાર લઇ રહી છે. ત્યારે 1962 નંબર ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી પશુ સારવાર માટે વેટરનરી ડૉકટરની ટીમ વાન સાથે આવી પહોંચશે.
બેઠકમાં આહવા,વઘઇ,સુબીર તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, માર્ગ અને મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.