આહવાઃ આંતરરાજ્ય સરહદ ધરાવતા ડાંગ જિલ્લાની સરહદોને સીલ કરી પોલીસ અને આરોગ્ય વિભાગ ખૂબજ જટીલ કામગીરી કરી રહ્યું છે. સરહદી માર્ગો ઉપર રોજગારી અર્થે અન્ય રાજ્યોમાં ગયેલા મજૂરો, નાના કટુંબો લોકડાઉનના સમય દરમિયાન પોતાના વતન જવા માટે અધીરા બન્યા છે. અહીં ખાનગી વાહનો કે જાહેરસેવાઓ બંધ હોવાના કારણે આ લોકો પગપાળા વતનની વાટ પકડતા જોવા મળે છે.

ડાંગ જિલ્લામાં ઈંટના ભઠ્ઠા ઉપર મજૂરી કરી ગુજરાન ચલાવતુ એક કુટુંબ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી અહીં રોજગારી માટે આવ્યું હતું. માલિકે કામ બંધ રહેતા આ પરિવારના 7 સભ્યોને કાઢી મુક્યા હતા. આવા સમયે પોલીસ દ્વારા પુછપરછ કરાતા તેઓએ પોતાના વતન જવા માટે પગપાળા જંગલના માર્ગે જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
કલેકટર એન.કે. ડામોરને આ વાતની જાણ થતા તુરંત તેમની મદદ કરી તે પરિવારને મધ્યપ્રદેશ પોતાના વતને જવા વ્યવસ્થા કરી આપી હતી.શેલ્ટર હોમમાં સૌપ્રથમ આ પરિવારના આરોગ્યની ચકાસણી કરી કવોરન્ટાઇન કરાયા હતા. મધ્યપ્રદેશના દિનેશભાઇ પાંડુરામભાઇ નેહલે ગુજરાત સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, તેમણે અમારૂં ઘણું ધ્યાન રાખ્યું છે. અમને ખૂબ સારી મદદ કરી છે. અમારી મધ્યપ્રદેશ સરકારને પણ જણાવવાનું કે અમારા જેવા ઘણાં લોકો હશે કે જેઓ અમારી જેમ ફસાયા હશે તેઓની પણ મદદ કરે.પરિવારના સભ્યોએ પણ સરકારની મદદ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
લોકડાઉનના સમયે આવા લોકો માટે સમગ્ર ડાંગ જિલ્લામાં કુલ ૩ શેલ્ટર હોમ કાર્યરત કરાયા છે. જેમાં ગુજરાત પ્રવાસન વિભાગની હોટલ તોરણ, સાપુતારા ખાતે કુલ 160 લોકો, વધઇ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં 45 લોકો અને આહવા આત્મા પ્રોજેકટ ખેડૂત તાલીમ કેન્દ્રમાં 65 લોકો રહી શકે તે માટે વિનામૂલ્યે રહેવા-જમવા,ચા-નાસ્તાની સગવડ કરવામાં આવી છે.
પ્રાંત અધિકારી કાજલબેન ગામીતે વહીવટી તંત્ર વતી રાજસ્થાન,મધ્યપ્રદેશ રાજયોમાં વહીવટી તંત્ર સાથે સંપર્ક કરીને આ ફસાયેલા લોકો માટે તેમની ટીમ સાથે ભારે જહેમત ઉઠાવી હતી. ગુજરાત એસ.ટી. નિગમના ડેપો મેનેજર જગદીશભાઇ ગાવિતે પણ સહયોગ આપી સાપુતારા શેલ્ટરહોમ ખાતે ફસાયેલા લોકોને ગમે ત્યારે મોકલવાના સમયે તૈયાર હોવાનું જણાવ્યું હતું.