- 106 વર્ષ જૂની ગાયકવાડ સ્ટેટે શરૂ કરેલી બાપુની ગાડી તરીકે ઓળખાતી હેરિટેજ ટ્રેન બંધ
- રેલવેને નિભાવ ખર્ચ પરવડતો નહીં હોવાથી ગુજરાતની 11 ટ્રેન બંધ
- ડાંગ અને નવસારી જિલ્લાને જોડતી એકમાત્ર નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ
ડાંગઃ વઘઇ-બીલીમોરા વચ્ચે દોડતી ઐતિહાસિક ટ્રેન સહિત રાજ્યની 11 ટ્રેનો બંધ કરવામાં આવી છે. આર્થિક રીતે આ ટ્રેન ફાયદો નહીં કરતી હોવાથી આ ટ્રેન બંધ કરવાની અટકળો ચાલતી હતી, જેનો હવે અંત આવ્યો છે. રેલવે મંત્રાલય દ્વારા આ અંગેનો એક પત્ર ચર્ચગેટ મુંબઇમાં આવેલી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પાઠવવામાં આવ્યો હતો. જેમાં આ નેરોગેજ ટ્રેનને નિભાવવાનો ખર્ચ હવે સરકારને પરવડતો નહીં હોવાનું કારણ આગળ ધરી વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન સહિત રાજ્યની કુક 11 નેરોગેજ લાઈનો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે આ ટ્રેન ગત 8 મહિનાથી બંધ હતી.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ ટ્રેન 1914માં શરૂ કરાવી હતી
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1914માં આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેનને 6 ડબ્બા જોડવામાં આવ્યા હતા. જે વઘઇ-બીલીમોરા વચ્ચે 63 કિમીનું અંતર કાપતી હતી. આ ટ્રેન દિવસમાં 2 વાર દોડાવવામાં આવતી હતી. આ ટ્રેન બાપુનાં હુલામણા નામથી પણ ઓળખાતી હતી.
ટ્રેન શરૂ કરવાનું મુખ્ય કારણ
ડાંગ જિલ્લાના જંગલોમાં મળતા કિંમતી સાગી લાકડાની વિદેશમાં ભારે માગ છે. જેથી આ લાકડાને ડાંગથી લાવવા લઈ જવા આ નેરોગેજ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ડાંગથી સાગના લાકડાને બીલીમોરા લાવવામાં આવતું અને ત્યારબાદ બીલીમોરા બંદરથી આ લાકડાને દરિયાઈ માર્ગે વિદેશોમાં પહોંચાડવામાં આવતું હતું.
અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી ટ્રેનને મળ્યો હતો હેરિટેજનો દરજ્જો
આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો હતો. જેમાં સફર કરવાનો આનંદ આહલાદક બનતો હતો. વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન વઘઇથી નીકળી અંબિકા નદી ઉપરથી પસાર થઈ ડુંગરડા, કાળાઆંબા, ઉનાઈ, અનાવલ, રાનકુવા, ચીખલી, ગણદેવી, થઈને બીલીમોરા પહોંચતી હતી. 31 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનને આ પ્રવાસ કરવામાં 3 કલાકનો સમય લાગતો હતો.
વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેનની ખાસિયત
વઘઇ-બીલીમોરા નેરોગેજ ટ્રેન મહારાજ સયાજીરાવ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન અંબિકા નદીનાં પુલ ઉપરથી પસાર થતા કુદરતનો અદભુત આહલાદક નજારો જોવા મળતો હતો. આ ટ્રેનમાં વચ્ચે આવતું ફાટક ટ્રેનનાં ગાર્ડ દ્વારા ખસેડવામાં આવતું હતું. જેથી આરામદાયક સમય સાથે આ ટ્રેનનો પ્રવાસ પ્રવાસીઓ માટે યાદગાર રહેતો હતો. આ ટ્રેનને 1937 સુધી સિસ્ટમ એન્જીન ખેંચતુ હતું, ત્યારહાદ ડીઝલ એન્જીન કરી દેવામાં આવ્યું હતું.
ટ્રેન શરૂ કરવા રેલવે અધિકારીઓને રજૂઆત
વઘઇ-બીલીમોરા હેરીટેજ ટ્રેન કાયમ માટે બંધ થઈ જતાં સોમવારના રોજ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજય પટેલ દ્વારા વલસાડ એરિયા મેનેજરને ટ્રેન ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં મુંબઈ સેન્ટ્રલ ADRM વલસાડના એરિયા મેનેજર અનુ ત્યાગીએ જણાવ્યું હતું કે, રાજ્યની કુલ 11 ટ્રેનોમાં ટ્રાફિક ઓછું હોવાનાં કારણે ટ્રેનો બંધ કરી છે. આમ છતાં ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લઇ તે ઉપરના લેવલે રજૂઆત કરશે. આ અગાઉ વઘઇ વેપારી મંડળ અને વઘઇના સરપંચ મોહન ભોયે દ્વારા પણ રેલવે અધિકારીઓને ટ્રેન શરૂ રાખવા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે વઘઇના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેન વેપાર અને મજૂરવર્ગ માટે ખુબ ઉપયોગી ટ્રેન હતી.
કોંગ્રેસ દ્વારા પ્રતીક ધરણાં કાર્યક્રમ
વઘઇ-બીલીમોરા ટ્રેન બંધ થઈ જતાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે ETV BHARATને જણાવ્યું હતું કે, મહારાજ સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરવામાં આવેલી ઐતિહાસિક ટ્રેન આદિવાસી લોકો માટે જીવાદોરી સમાન હતી. આ ટ્રેન ફરી શરૂ કરવા માટે તેમણે આજે મંગળવારે ઉનાઈ રેલવે સ્ટેશન ખાતે પ્રતીક ધરણાં કર્યાં હતા. જો રેલવે તંત્ર દ્વારા ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં 17 ડિસેમ્બરે રાનકુવા ખાતે પ્રતીક ધરણાં કરવામાં આવશે અને 18 ડિસેમ્બરે વઘઇ ખાતે રેલવેના જી.એમ અને અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવશે.