ડાંગ : ડાંગ કલેકટર એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર માઈક્રો પ્લાનિંગથી આગળ વધી રહ્યું છે. સૌ પ્રથમ મહારાષ્ટ્ર રાજ્યને જોડતી બોર્ડરો સીલ કરી નાના-મોટા ૧૧ જેટલા નાકાઓ ઉપર ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. શેરડી અને દ્રાક્ષની વાડીઓમાં રોજગારી અર્થે ગયેલા તમામ મજૂરો પગપાળા તથા અન્ય વાહનોમાં આવી જતા માટે સ્થાનિક કક્ષાએથી મદદ મેળવી તમામ લોકોના આરોગ્યની ચકાસણી કરી તેઓના ગામ પહોંચાડયા હતા.
![sanitization process in dang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-03-senitaization-vis-gj10029_09042020171022_0904f_1586432422_563.jpeg)
કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સ્વચ્છતા અભિયાન પણ ખૂબ જ અગત્યનું હોવાથી તમામ ગ્રામ પંચાયતોને સ્વચ્છ બનાવી સેનીટાઈઝેશન પૂર્ણ કરવા કલેકટર ડામોર દ્વારા અનુરોધ કરાયો હતો. નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઇ પટેલ, માજી ધારાસભ્ય મંગળભાઇ ગાવિત, ઉપસરપંચ હરીરામભાઇ સાવંત તથા સ્થાનિક યુવક મંડળના યુવાનોની મદદથી વઘઇ અને આહવાનગરમાં તમામ કચેરીઓ અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની સ્વચ્છતા જળવાય તે હેતુથી બીજા તબક્કાની સેનીટાઈઝની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવી હતી.
![sanitization process in dang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-03-senitaization-vis-gj10029_09042020171022_0904f_1586432422_679.jpeg)
ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આહવા અને સાપુતારાના બે મીની ફાયર ફાઇટરની મદદથી સેનીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને વાહનો સાથે આપદા મિત્ર યુવાનો દવાઓનો છંટકાવ કરી રહ્યા છે.
આજરોજ કલેકટર કચેરી, જનરલ સિવિલ હોસ્પિટલ, આહવાની સરકારી કચેરીઓ અને આંબાપાડા વિસ્તાર, રાણી ફળિયા તથા વઘઇનગરને સેનીટાઈઝ કરાયું હતું. જિલ્લામાં કુલ-૩૪ જેટલા આપદા મિત્રોને ડિઝાસ્ટર શાખા દ્વારા આપાતકાલિન સેવાઓ માટે યોગ્ય તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે.
આમ, ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સરકારની ગાઈડલાઈન મુજબ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. આહવા જનરલ હોસ્પિટલ ખાતે ૧૦ આઈસીયુ અને ૯૦ બેડ મળીને કુલ ૧૦૦ બેડનો આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. તેમજ વાંસદા ખાતે પણ ૧૦૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઇ રહ્યો છે. વઘઇ, શામગહાન અને સુબીર ખાતે ૫ બેડ કવોરોન્ટાઇન વોર્ડ સજ્જ કરાયા છે.