ડાંગ : આહવાની સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા ગરીબ આદિવાસી દર્દીઓ માટે અધતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ અધતન સુવિધાઓનો લાભ કાર્યરત ડોક્ટરો દ્વારા ગરીબ આદિવાસી દર્દીઓને પૂરી પાડવામાં આવે છે, પરંતુ સિવિલ હોસ્પિટલને ગ્રહણ લાગ્યું હોય તેમ, છેલ્લા છ મહિનાથી આર.એમ.ઓનો ચાર્જ સંભાળતા ઉષા શર્મા દ્વારા ડોક્ટર સહિત સ્ટાફને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી નાખ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
છેલ્લા છ મહિનાથી આર.એમ.ઓ ઉષા શર્મા ગરીબ આદિવાસી દર્દીઓને સારવાર આપવા ઓ.પી.ડીમાં આવવાના બદલે પોતાના ચેમ્બરમાં બેસી રહે છે અને રાજ્ય સરકારનો પગાર ચેમ્બરમાં બેસી મફતમાં મેળવી રહી છે. તેમજ કામ કરવાની જગ્યાએ આહવા સિવિલ હોસ્પિટલને ધમધમતી રાખનારા નિષ્ઠાવાન ડોકટરો તેમજ સ્ટાફને કારણો વગર યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી રહી છે.
અહીં, આહવા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર રશ્મિકાંત કોંકણી બે દિવસની રજા ઉપર હોય તેમનો આર.એમ.ઓનો ચાર્જ ઉષા શર્માને આપતા સત્તાનો રોફ જમાવવા છેલ્લા કેટલાક સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આદિવાસી દર્દીઓમાં લોકચાહના મેળવનાર ડોક્ટર સુરેશભાઈ પવારના સાથે અંગત અદાવત રાખી ફરજ પર ગેરહાજર રહેવાનો મેમો આપી સાત દિનમાં ખુલાસો માંગતા ડોક્ટર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ડોક્ટર સુરેશભાઈ પવારને હાલમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત સુબીર પી.એચ.સીનો ચાર્જ, ટ્રેનિંગનો ચાર્જ આ ઉપરાંત પી.પી.યુનિટનો ચાર્જ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે, ત્યારે આર.એમ.ઓ ઉષા શર્માએ અંગત અદાવત રાખીને ખોટી રીતે હેરાન કરવા માટે મેમો આપતા ડોક્ટર સુરેશ પવારે ન્યાય માટે સિવિલ સર્જન ડૉ.રશ્મિકાંત કોંકણીને જાણ કરી આગળ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.