- ડાંગ જિલ્લામાં નવા ભાજપ સંગઠનની રચના કરાઈ
- નવા સંગઠનમાં ભાજપના જૂના નેતાઓના નામ ગાયબ
- 30થી વધુ ભાજપના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો
ડાંગઃ ડાંગ જિલ્લા ભાજપ સંગઠનની રચનાંમાં નવા કાર્યકતાઓની નિમણુંક કરતાં જૂનાં કાર્યકર્તાઓએ મોઢું ચડાવ્યું છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી અશોક ધોરાજિયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ થતા ભાજપના 30થી વધુ આગેવાનોએ ડાંગ જિલ્લા ભાજપ પ્રભારીનો વિરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લામાં 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓને દૂધમાં માખીની જેમ કાઢી મૂકાયા
આ અંગે મળતી માહિતી અનુસાર, તાજેતરમાં જ ગુજરાત ભાજપાના અધ્યક્ષ તરીકે સી. આર. પાટિલને જવાબદારી સોંપતા ભાજપા પાર્ટી સંગઠનમાં નવા પરિવર્તન જોવા મળી રહ્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલના માર્ગદર્શન હેઠળ થોડા દિવસ પૂર્વે રાજ્યના દરેક જિલ્લાઓમાં ભાજપા સંગઠન પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કોષાધ્યક્ષ સહિતના પદોને લઈને ફરી નિમણૂક કરાઈ છે, જેમાં રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ભાજપા સંગઠનમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી અને કોષાધ્યક્ષનાં પદોની નિમણૂક બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 35 વર્ષથી ભાજપ પાર્ટી સાથે જોડાયેલા અને પાયાના આગેવાનોની સંગઠનમાં ધરાર અવગણના કરવામાં આવી છે તેવું દૃશ્ય સામે આવ્યું છે. જ્યારે નવા નિશાળયાઓને હોદ્દાઓ આપવામાં આવતા જૂના જોગી આગેવાનોમાં નારાજગી વ્યાપી જવા પામી છે. ભાજપના 30થી વધુ આગેવાનોએ ડાંગ જિલ્લા ભાજપ પ્રભારીનો વિરોધ કર્યો હતો. આજ રોજ ડાંગ જિલ્લા ભાજપાના 30થી વધુ આગેવાનોએ ભેગા મળી ડાંગ ભાજપાનાં પ્રભારી અશોક ધોરાજિયાનો હૂર્રયો બોલાવ્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ પણ સોશિયલ મીડિયાથી નારાજગી વ્યક્ત કરી
ડાંગ ભાજપાના આગેવાનોએ પ્રભારી અશોક ધોરાજિયા ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અશોક ધોરાજિયા ડાંગ ભાજપના કાર્યકર્તાઓમાં ભાગલા પાડી રાજકારણ કરી રહ્યા છે. આથી આવા પ્રભારીને ડાંગ જિલ્લામાંથી બહાર કરવામાં આવે અને સ્થાનિક કક્ષાએ પાર્ટી સંગઠનનું પ્રતિનિધિત્વ આપવામાં આવે. ડાંગ ભાજપાનાં જૂના જોગી આગેવાનોએ આજ રોજ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટિલ, પ્રધાન ગણપત વસાવા, ડાંગ ભાજપ પ્રમુખ દશરથ પવાર, ધારાસભ્ય વિજય પટેલને સંબોધીને આ અન્યાય અંગેનો નારાજગીનો સૂર વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સુરેશ ચૌધરીએ પણ સોશિયલ મીડિયા પર આ અંગે વિરોધ કર્યો હતો. એટલે ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો હતો.
ભાજપના પ્રભારી અશોક ધોરાજિયા પાર્ટીમાં કાન ભંભેરણીનું કામ કરે છેઃ ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ
અહીં ઘણા લાંબા સમય બાદ ડાંગ ભાજપ પક્ષનો સોશિયલ મીડિયામાં નારાજગીનો સૂર બહાર આવતા ડાંગ જિલ્લાના રાજકારણમાં ચહલ પહલ જોવા મળી હતી. ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દસરથ પવાર સાથે નારાજગી અંગે કોઈ વાત આવી નથી. દશરથ પવારે જણાવ્યું કે, મહામંત્રી, મંત્રી, ઉપપ્રમુખ અને કોષાધ્યક્ષના પદોની નારાજગી અંગે મારા સુધી કોઈ રજૂઆત આવી નથી. કદાચ પ્રભારી અશોક ધોરાજિયા જોડે જૂના જોગી આગેવાનોનો વ્યક્તિગત અણબનાવ હોઈ શકે. આ સોશિયલ મીડિયામાં ફરતો થયેલા મેસજ અંગે મારા ઉપર પ્રધાન ગણપત વસાવાનો ફોન આવ્યો છે. આથી મેં નારાજ આગેવાનોને મળવા બોલાવ્યા છે. ડાંગ જિલ્લાના ભાજપના આગેવાન સુરેશ ચૌધરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ભાજપ પાર્ટીના વફાદાર કાર્યકર્તા છીએ. છેલ્લા 35 વર્ષથી અમે પાયાના કાર્યકર્તાની ભૂમિકા નિભાવી છે. અમને ભાજપ પાર્ટીનો વિરોધ નથી, પરંતુ ડાંગ જિલ્લા પ્રભારી અશોક ધોરાજિયાની કાર્યશૈલી સામે વિરોધ છે. આ ધોરાજિયા અમને વિશ્વાસમાં લીધા વગર જૂના જોગી નેતાઓ વિરુદ્ધ પાર્ટીમાં કાન ભંભેરણી કરી પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી રહયા છે.જેથી આવા નેતાઓને ડાંગ બહાર કરવામાં આવે અને સ્થાનિકોને પ્રતિનિધિત્વ આપવામાં આવે એવી અમારી માંગણી છે.