- ડાંગ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ
- સાંસદ કે. સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી બેઠક
- વિવિધ શાખાના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ડાંગ: કોરોના કાળમાં ખૂબ જ સાવચેતી અને ચોકસાઈ સાથે કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લા પ્રસાશનને અભિનંદન પાઠવતા સાંસદ ડોક્ટર કે. સી. પટેલે જિલ્લામાં સંદેશા વ્યવહારની અસરકારકતા વધારવા સાથે ઈ-ગ્રામની સેવોનો વ્યાપ વધારવા માટે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવાની ભલામણ કરી હતી. આ બેઠકમાં ડાંગનાં ધારાસભ્ય વિજય પટેલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓને નવા વર્ષના અભિનંદન પાઠવતા સાંસદ ડોક્ટર કે. સી. પટેલે ગ્રામવિકાસની વિવિધ યોજનાઓમાં સંવેદનશીલતા સાથે તેનો અમલ કરવાની અપીલ કરી હતી. આગામી દિવસોમાં ડાંગ જિલ્લામાં માર્ગ સુધારણા સહિતના વિવિધ વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓનાં અમલીકરણમાં નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની પણ ભલામણ કરી હતી.
ધારાસભ્ય વિજય પટેલે પ્રજાલક્ષી યોજનાઓનો જલદી અમલ કરવા કરી અપીલ
ડાંગના ધારાસભ્ય વિજય પટેલે જિલ્લામાં વિવિધ યોજનાઓનાં અમલીકરણ અને સ્થાનિક જરૂરિયાત મુજબ યોજનાઓમાં ફેરફાર કરવા મુદ્દે ધ્યાન દોરી પ્રજાલક્ષી યોજનાઓનો અસરકારક અમલ કરવાની અપીલ કરી હતી. ડાંગ જિલ્લા કલેક્ટરે પણ પ્રજાલક્ષી કાર્યોને પરસ્પર સંકલન અને સહયોગથી જલદી પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.
જરૂરિયાતમંદ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવે: જિલ્લા કલેક્ટર
ડાંગ જિલ્લા કલેક્ટર એન. કે. ડામોરે જિલ્લાના જરૂરિયાતમંદ લાભાર્થીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાની સાથે તેમને વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. સાથે જ સામુહિક યોજનાઓના લક્ષ્યાંક નિયત સમયમાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટરે વિવિધ કાર્યક્રમોની પૂર્વ મંજૂરી બાબતે વિસ્તૃત સૂચનાઓ આપી આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાનારી વેક્સિનેશનની કામગીરી માટે જરૂરી માહિતી ઉપલબ્ધ કરાવવા અને જિલ્લાના લોકો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ પણ ફરજિયાતપણે માસ્કનો ઉપયોગ કરે તે નક્કી કરવાની ભલામણ કરી હતી.
કોવિડ ગાઈડલાઈનો અમલ કરવા તાકીદ કરવામાં આવી
જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણીયાએ યોજનાઓનાં અમલીકરણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ઈ-ગ્રામ સેવાઓનો વ્યાપ વધારવા બાબતે પણ જરૂરી વિગતો આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ગ્રામ્ય વિસ્તારમાં યોજાતા ધાર્મિક, સામાજિક કાર્યક્રમ દરમિયાન કોવિડ-19ના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે બાબતે કાળજી લેવા અપીલ કરી હતી.
બેઠકમાં વિવિધ યોજનાઓ અંગે કરવામાં આવી ચર્ચા
બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ખેતીવાડી વિભાગની વિવિધ યોજના, જમીન અને દફતરના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ, વીજ વિભાગની દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, આરોગ્યની નેશનલ હેલ્થ મિશન, સર્વ શિક્ષા અભિયાનની યોજના, બાળ વિકાસ વિભાગની ઇન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, મધ્યાહ્ન ભોજન યોજના, પુરવઠા તંત્રની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઈ-ગ્રામની ડિજિટલ ઇન્ડિયા પબ્લિક ઈન્ટરનેટ એક્સેસ પ્રોગ્રામ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અને ભારત સંચાર નિગમ લીમીટેડની સંદેશ વ્યવહારની યોજનાઓ અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા પણ કરવામાં આવી હતી.
વિવિધ શાખાના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કે. સી. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બીબીબેન ચૌધરી, ધારાસભ્ય વિજય પટેલ, કમિટી મેમ્બર, જિલ્લાના પદાધિકારીઓ, કલેકટર એન. કે. ડામોર, જિલ્લા વિકાસ અડીકારી એચ. કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ વન સંવક્ષક અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા, નિવાસી અધીક કલેકટર ટી. કે. ડામોર, પ્રાયોજના વહીવટદાર કે. જી. ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.