ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ રવિવારના રોજ સર્વત્ર પંથકમાં વરસાદ પડતા ઠંડકતાની શીત લહેર ચારે તરફ પ્રસરી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, આહવા, ગલકુંડ, સુબીર, બોરખલ તેમજ પૂર્વપટ્ટી સહિતનાં ગામડાઓમાં રવિવાર દિવસ દરમિયાન ક્યાંક ઝરમરીયા તો, ક્યાંક મધ્યમ વરસાદ પડતા સર્વત્ર નીર ફરી વળ્યાં હતા.
ડાંગ જિલ્લાનાં મોટાભાગનાં ગામડાઓમાં રવિવારે વરસાદી માહોલ સર્જાતા ડાંગના ખેડૂતો ડાંગરની રોપણીનાં કામમાં જોડાયુ હતુ. જયારે ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં ગામડાઓમાં સવારથી ઝરમરીયા વરસાદની હેલીઓ વચ્ચે ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા અહીનાં સમગ્ર સ્થળોની પ્રકૃતિ હિલોળે ચડી હતી. છેલ્લા બે દિવસથી ડાંગ જિલ્લાની પૂર્ણા, ખાપરી અને ગીરા લોકમાતાઓ નીરની સાથે બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ થતા અહીનાં સમગ્ર સ્થળો પ્રવાસીઓ માટે આહલાદક બની ગયા હતા.
ડાંગ જિલ્લાનાં ખેડૂતોમાં ખેતીનાં પાક માટે નવી આશા બંધાઈ હતી. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં રવિવારના રોજ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનાં 10 કલાક દરમિયાન આહવા પંથકમાં 07 મિમી, વઘઇ પંથકમાં 13 મિમી, સુબીર પંથકમાં 06 મિમી, જ્યારે સાપુતારા પંથકમાં 08 મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.