ડાંગઃ નોવેલ કોરોના વાઈરસના સંક્રમણને નાથવા માટે રાજ્ય તથા કેન્દ્ર સરકારની વખતોવખતની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર, હવેથી ડાંગ જિલ્લામાં જાહેરમાં થૂંકવા કે ફેસ માસ્કનો ઉપયોગ નહિ કરવા બદલ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ અધિકારી/કર્મચારીઓ પણ દંડનીય કાર્યવાહી કરી શકશે.
ડાંગના જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક સુધારા હુકમ અનુસાર, ભારત સરકાર દ્વારા કેટલીક છૂટછાટો સાથે લોકડાઉનની અવધી (અનલોક-2) આગામી તા.31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં નવી માર્ગદર્શિકા મુજબ તેનો ચુસ્તપણે અમલ કરવાનો થાય છે.
આ કામગીરી માટે ડાંગ જિલ્લામાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવતા અધિકારીઓને દંડનીય કામગીરી માટે અધિકૃત કરાયા હતા. જેમાં સુધારો કરી હવેથી આ કામગીરી માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. જેની જાહેર જનતાને નોંધ લેવા તથા સરકારની વખતોવખતની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.