ડાંગ જિલ્લામાં હાલ મુશળધાર વરસી રહ્યો છે. જેના કારણે લોકોના રોજિંદા કામો પર અસર પડી રહી. ગત રાત્રીથી પવનના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ વરસતાં વઘઇ-સાપુતારા ધોરીમાર્ગમાં પર બે વીજળીના થાંભલા વચ્ચે મહાકાય ઝાડ તૂટી પડતાં વીજળી ડૂલ થઇ હતી. અન્ય જગ્યાએ આવી ઘટનાઓ ન બને તે માટે સાપુતારા જી.ઇ.બી. દ્વારા વિજળીનો કાપ મૂકી થાંભલા ચેક કરવાની પ્રક્રિયા ચાલુ કરાઇ હતી.
ડાંગ જિલ્લો એ ડુંગરાળ વિસ્તાર હોવાથી વરસાદ પડતાંની સાથે જ નાનાં ઝરણાઓ અને નદી પાણીથી છોલોછલ ભરાઈ જાય છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ઘોડાવહલ, અને નિમ્બારપાડા ગામનાં કોઝવે પરથી પાણીથી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને રસ્તો પસાર કરવામાં તકલીફ પડી રહી હતી. અમુક લોકો પોતાની જાનના જોખમે પણ રસ્તો ઓળગતાં નજરે ચડ્યા હતા. ગત રાત્રીથી એકધારે વરસાદ વરસતા ચારેતરફ પાણી-પાણી જોવા મળ્યું હતું. જિલ્લાની જીવાદોરી સમાન અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી પાણીથી છલોછલ વહેવા લાગી છે.
સતત વરસાદના પગલે નદીઓમાં જળબંબાકારની સ્તિથી સર્જાઈ છે. થાંભલા પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વીજળી ડૂલ થવાની પરિસ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ કોઝવે પર પાણી ફરી વળતાં લોકોનું જનજીવન ખોરવાયું છે. ધોધમાર વરસાદને કારણે મોટી દુર્ઘટનાઓ થવાની સંભાવના રહેલી છે. જેમકે વૃક્ષો ધરાશાયી, નદીઓમાં પૂર જેવી સ્થિતિના કારણે ઉપરવાસથી પડી રહેલા ધોધમાર વરસાદ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.