ડાંગઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુરુવારે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. જેથી જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓએ સી.આર.પાટીલનું પારંપરિક નાચગાન સાથે સ્વાગત કર્યું હતું.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ દરેક જિલ્લાઓની મુલાકાત લઇ રહ્યા છે. જે અંતર્ગત તેમણે વલસાડ બાદ ગુરુવારે ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. જેથી ભાજપના કાર્યકર્તાઓ, સાધુ-સંતો, વેપારી એસોસિએશન, ડાંગ એક્સપ્રેસ અને આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવીત અને જિલ્લાના રાજવીઓ દ્વારા નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખનુ વઘઇ, પીપરી અને આહવા ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લાની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખે આગામી વિધાનસભાની પેટા-ચૂંટણી માટે બેઠક પણ યોજી હતી. જેમાં પાર્ટીને આગળ લઈ જવાની રણનીતિ ઘડવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત માટે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રભારી ભરતસિંહ પરમાર, સાંસદ ડૉ.કે.સી.પટેલ, ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણશ મોદી, ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવ ચોર્યા, માજી ધારાસભ્ય વિજય પટેલ, કિશોર ગાવીત, કરસનભાઈ પટેલ, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામ સાવંત સહિત ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.