ડાંગ: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનાં કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું હતું. જેના કારણે લોકોનાં ધંધા રોજગાર તથા આવક બંધ થઈ ગઈ હતી. સાપુતારાનાં તળેટીય વિસ્તારમાં આવેલા માલેગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ બરડપાણી ગામનાં લોકો ધંધા રોજગારનાં અર્થે સાપુતારા અથવા મહારાષ્ટ્ર રાજ્યમાં રોજીરોટી માટે જતા હતા.
ત્યારે, સરકારની મનરેગા યોજના અંતર્ગત ગામમાં જ રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી સરકારે લોકોને મનરેગા દ્વારા ઘરબેઠા રોજગારી આપવાનું નક્કી કર્યું છે.
આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ માલેગામ ગ્રુપ ગ્રામ પંચાયતનાં બરડપાણી ગામનાં શ્રમિકો હવે મનરેગા દ્વારા પોતાના ગામમાં જ કામ કરીને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. ગિરિમથક સાપુતારામાં આવેલી હોટલ તેમજ રેસ્ટોરન્ટ ઉધોગ ધીમે ધીમે ખુલી રહયો છે. ઘણી જગ્યાએ હજુ પણ લારી ગલ્લા બંધ જોવા મળી રહયા છે. અહી સાપુતારાનાં તળેટીય વિસ્તારનાં ગામડાઓનાં લોકો મોટા ભાગે સાપુતારાનાં પ્રવાસન સ્થળોએ લારી ગલ્લા અથવા રેકડી ચલાવીને ગુજરાન ચલાવતા હતા. કોરોનાની મહામારીમાં આ તમામનો વ્યવસાય ઠપ્પ થતા આ લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો. ત્યારે, મનરેગા દ્વારા આ લોકોને ઘરેબેઠા કામ મળવાનાં કારણે હવે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવુ નહિ પડે રોજગારી મળી રહેતા આ લોકો સંતોષ અનુભવી રહ્યા છે.