સુબિર તાલુકાથી આલીપોર જઈ રહેલ દુધનું ટેન્કર વઘઇ ખાતે પુલ માં ખાબકયો
હજારો લીટર દુધનો જથ્થો ખાડીમાં વહી જતા દુધની નદીનાં દ્રશ્યો જોવા મળ્યા
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ટેન્કર ચાલકનું મોત
ડાંગ:જિલ્લાનાં સુબિર ખાતેની આલીપોર ડેરીમાંથી દુધનો જથ્થો ભરી આલીપોર( ચીખલી)તરફ જઈ રહેલ ટેન્કર ચાલકને વઘઇનાં પ્રવેશદ્વાર ઉમરાખાડીનાં પુલ પાસે ઝોકું આવી જતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.દુધનો જથ્થો ભરેલ ટેન્કર નદીનાં પટમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટેન્કર સહિત દુધનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ.
દુધ નું ટેન્કર પુલ નીચે ખાબકી જતાં દુધની નદીઓ વહી
ઘટના સ્થળે ટેન્કરનાં વાલ્વ ખુલી જતા ટેન્કરમાં ભરેલ હજારો લીટર દુધનો જથ્થો ખાડીમાં વહી જતા દુધની નદીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.આ અકસ્માતનાં બનાવમાં ટેન્કર ચાલક નામે સંજય સરજુ તિવારીને શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ વઘઇ મારફતે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.પરંતુ ટેન્કર ચાલકે ગંભીર ઇજાઓને પગલે 108 એમ્બ્યુલન્સ વાંસદા પોહચે તે પહેલા જ તેમનું મોત થયું હતુ.આ ટેન્કરમાં સવાર અન્ય એક ઇસમને પણ નાની મોટી ઇજાઓ થતાં તેમને સારવારનાં અર્થે નજીકની વઘઇ સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.