આહવાઃ ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો જે સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલ છે. આ જિલ્લામાં ઘનઘોર જંગલ, પહાડો અને નદીઓ આવેલા છે. કુદરતી સંપદાઓથી ભરપૂર એવાં ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસામાંની ૠતુ દરમિયાન નદીઓનાં ધોધ, જ્યારે પહાડોમાં પથરાયેલ લીલોતરી આકર્ષિત કરે છે. ચોમાસામાં અહીં સૌથી વધારે વરસાદ વરસે છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂર જોવા મળે છે. પહાડોની ફરતે ચાર નદીઓ આવેલ છે. અંબિકા, પૂર્ણાં, ખાપરી અને ગીરા નદી ધોધમાર વરસાદ વચ્ચે પહાડોમાંથી વહેતાં પાણીનો નજારો અદભૂત હોય છે.
ચોમાસા દરમિયાન આ જિલ્લામાં ઠેરઠેર નાનાં નાનાં જળધોધ વહેતાં જોવા મળે છે. જ્યારે અંબિકા નદી પર આવેલા વિશાળકાય ગીરા ધોધ જે ગુજરાતની ઓળખ બની ગયો છે. આ ધોધને નાયગ્રા ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગના પ્રવેશ દ્વાર વઘઇથી આશરે 4 કિ.મીના અંતરે આંબાપાડા ગામ નજીક અંબિકા નદી પર આ ધોધ આવેલો છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ ધોધનું રોદ્ર સ્વરૂપના દર્શન થાય છે.
લગભગ 25 મીટર ઊંચાઈ અને 300 મીટરની પહોંળાઇ પર આવેલ ગીરા ધોધનું પાણી ઉપરથી નીચે ખડકો સાથે અથડાઈને જાણે કે ગર્ભિત અવાજ કરતું હોય તેવો ભાસ થાય છે. અંબિકા નદી સાપુતારાથી નીકળીને બીલીમોરા પાસેનાં અરબી સમુદ્રને મળે છે. ચોમાસાની ૠતુના ચાર મહિના દરમિયાન આ ધોધ સતત ચાલું હોય છે. જેમ-જેમ પાણી ઓછું થતું જાય છે, તેમ આ ધોધ બે ભાગમાં વહેંચાઈ જાય છે.
વઘઇ નજીકનાં ગીરા ધોધ ઉપરાંત સિંગાણાં ગામ નજીકના ગિરમાળ ગામે ગીરા નદી પર ગિરમાળ ધોધ છે, જેની ઊંચાઈ અંદાજે 30 મીટરની છે. ડાંગના આ ધોધનાં પાણીમાં જવાની મનાઈ ફરવામાં આવી છે કારણ કે, પાણીનો વધુ પ્રવાહ માણસને પાણીમાં ખેંચી શકે છે. આ ધોધ નજીક આવેલા ખડકો પરથી ધોધની અદભૂત ફોટોગ્રાફી વ્યૂ મળે છે.
ડાંગએ પહાડી વિસ્તાર હોવાથી ચોમાસામાં ઠેરઠેર રસ્તાઓ પર નાના ધોધ સક્રિય થાય છે. જે પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. આ ધોધનાં પાણીમાં ભીંજાવાની મઝા લઇ શકાય છે. સાપુતારા પ્રવાસીઓ માટે ડાંગ આ ધોધ ચાર ચાંદ લગાવે છે. આ ધોધના કારણે જ સાપુતારામાં પ્રવાસીઓ આવતાં હોય છે.