ડાંગ જિલ્લામાં અવિરતપણે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેના કારણે ડાંગની લોકમાતાઓ ગાંડીતુર બનીને બન્ને કાંઠે વહેવા લાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં રાત્રીથી જ વીજળી સાથે મેહુલિયો મન મુકીને વરસતાં 10થી પણ વધારે કોઝવે પરથી પાણી ફરી વળ્યું છે, જેના કારણે 25 જેટલાં ગામડાંઓ જિલ્લાના મુખ્ય મથકેથી સંપર્ક વિહોણા બન્યાં છે.
વઘઇ- સાપુતારા રાજ્યધોરી માર્ગ વચ્ચે આવેલ સાકરપાતળ ગામના કોઝવે પરથી પાણી પસાર થતાં વહાન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. ડાંગ જિલ્લાથી અન્ય જિલ્લાઓને સાંકળતી GSRTC બસના ટાઈમ ખોરવાઈ જવા પામ્યા હતા. જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સવારથી જ શામગહાન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. જેના કારણે જનજીવન પર મોટી અસર જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં હાલમાં અવિરત પણે ધોધમાર વરસાદ વરસતાં લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. વીજળી ગુલ થયાની સાથે વહાન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. નડગચોડ ગામે મુખ્ય માર્ગના રસ્તાનું ધોવાણ થતાં વહાન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો. ધોધમાર વરસાદને પગલે હાલમાં સમગ્ર ડાંગ જિલ્લામાં અંધારપટ છવાઈ જવા પામ્યો છે.