ડાંગ: આદિવાસીઓની સમસ્યાઓનાં સમાધાન માટે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન અધિનિયમ 2019નાં કાયદાને રદ કરવા માટે થોડા દિવસ પૂર્વે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાના બંધારણીય અધિકારનું નર્મદા પોલીસ દ્વારા હનન કરાતા આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પૂર્વે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ ડૉ.કિરણ વસાવા તેમજ છોટાઉદેપુરનાં પ્રભારી પ્રો.અર્જુનભાઈ રાઠવા દ્વારા આદિવાસીઓની સમસ્યા બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન અધિનિયમ 2019નાં કાળા કાયદાનાં વિરોધમાં તેમજ ગેરકાનૂની ફેન્સિંગ દૂર કરી સ્થાનિક ખેડૂતોને તેમની જમીન ખેડવા દેવામાં આવે. સ્થાનિક આદિવાસીઓ પર આ બાબતે કરવામાં આવેલા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે. સ્થાનિક લોકોને તંત્ર અને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ કરવામાં આવે તથા અનુસૂચિ 5 અને પૈસા કાનૂન લાગુ કરવામાં આવે. જે મુદ્દાઓને લઈને જિલ્લા કલેક્ટર કચેરી રાજપીપળા ખાતે માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. અહીં નર્મદા પોલીસ પ્રશાસને આ કાર્યક્રમને મંજૂરી ન આપી ડૉ.કિરણ વસાવાને નજરકેદ કર્યા હતા અને ત્યારબાદ ધરપકડ કરી હતી. આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લાનાં પ્રમુખ મનીષભાઈ મારકણા દ્વારા મહામહિમ રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.