- ડાંગ જિલ્લામાં 2 મહિના બાદ કોરોનાના કેસ સામે આવ્યાં
- સાપુતારામાં 2 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કલેક્ટરે શાળાની મુલાકાત લીધી
સાપુતારા- સરહદી ડાંગ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત સતર્કતા સાથે ઘનિષ્ઠ પગલા લેવામાં આવી રહ્યા છે. ગઈ કાલે ગિરિમથક સાપુતારાની એક સ્કૂલના બે વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તરત જ ઘટના સ્થળે ધસી જઈ સમગ્ર શાળાના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા બન્ને વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ડાંગ કલેક્ટરે શાળાની જાત મુલાકાત લીધી
આરોગ્ય તંત્રની આ કામગીરીની ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ પણ સાપુતારા ધસી જઇ જાત મુલાકાત લીધી હતી. પંડ્યાએ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ પર પણ સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપી છે.
કલેકટરે લોકોને વેક્સિન માટે અનુરોધ કર્યો
હોટેલ, રેસ્ટોરન્ટ, અતિથિ ગૃહ, ગેસ્ટ હાઉસ, જુદી-જુદી મનોરંજન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોનું ફરજીયાત વેક્સિનેશન થાય તે માટે પણ તેમણે જરૂરી સૂચના આપી છે. કલેક્ટર ભાવિન પંડ્યાની મુલાકાત સમયે ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામીત અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી. સી. ગામીતની ઉપસ્થિત રહી હતી.