આહવા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મેધા મહેતા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ એટલે કે, નાના બાળકોને સારો આહાર મળે, અને તેઓ તંદુરસ્ત રહે, આરોગ્યમય રહે તેના માટે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોના 0 થી 6 વર્ષના બાળકો માટે પુરક પોષણયુક્ત આહાર નિયમિત આપવામાં આવે છે. ડાંગ જિલ્લામાં દુધ સંજીવની યોજના ખૂબ જ ફળદાયી બની છે. આ યોજના હેઠળ આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોને સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પણ તેનો લાભ આપવામાં આવે છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મેધા મહેતા એ જણાવ્યું હતું કે, યશોદા માતાની જેમ આંગણવાડીની બહેનો બાળકોને પોષણક્ષમ આહાર આપીને બાળકોને તંદુરસ્ત બનાવવાનું કામ કરે છે.
પોષણ જાગૃતિ દિવસે આંગણવાડીની બહેનોને યશોદા માતા તરીકે બીરદાવવામાં આવ્યા હતા. બાળ વિકાસ યોજના સંકલિત આધારિત આંગણવાડીની બહેનો દ્વારા ગરબો રજુ કરવામાં આવ્યો હતો. ગરબો રજુ કરનાર બહેનોને જિલ્લા પંચાયત પ્રમુખ તરફથી રોકડ પુરસ્કાર અપાયો હતો. શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડીની બહેનો તેમજ નબળા બાળકોને તંદુરસ્ત બનાવવા બદલ ઈનામ વિતરણ કરાયું હતું.
વધઈ CDPO નિરંજનાબહેને આભાર વિધિ કરતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં કુપોષિત બાળકોને આંગણવાડી બહેનો દ્વારા પોષણક્ષમ આહાર આપીને તંદુરસ્ત બનાવવાની ખાત્રી આપું છું. આ પ્રસંગે મહાનુભાવો સહિત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.