ડાંગઃ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા સંકલિત બાળ વિકાસ સંચાલિત આંગણવાડી કાર્યકર બહેનોએ કોરોના વાઇરસ પ્રત્યે અડીખમ સેવા આપનારા કર્મયોગીઓને બિરદાવતા આભારકાર્ડ પ્રદર્શિત કર્યા હતા.
વિશ્વભરમાં કહેર ફેલાવતા કોરોના વાઇરસને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. આ સમય દરમિયાન કોરોના વાઇરસ સામે ઝઝુમનારા કોરોના વોરિયર્સની સેવા બેનમૂન છે. ડાંગ જિલ્લા ઈ.ચા. પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આહવા, વઘઇ અને સુબીર તાલુકાના આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો દ્વારા કોરોના સામે જંગ લડતા ડૉક્ટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ, ફાયર બ્રિગેડ, સફાઇ કામદારોના ઉત્સાહમાં વધારો થાય તે માટે
તે માટે ચિત્રો દોરી પ્લે કાર્ડ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં લોકડાઉનના સમય દરમિયાન કોરોના વાઇરસનો પ્રતિકાર કરતા યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પોલીસ લાઇન આંગણવાડી કેન્દ્રની કિશોરી દર્શના રમણભાઇ ભુરકુંડ અને બંધારપાડા આંગણવાડી કેન્દ્રની કિશોરી દ્વારા કોરોના યોદ્ધાઓ માટે તૈયાર કરાયેલા ચિત્રોથી કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું.