ડાંગ : આદિવાસી સમાજનું યુવાધન વ્યસનમાં મગ્ન થઈને પોતાની સાથે પરિવારને પણ બરબાદીના રસ્તે લઈ જાય છે. આજે પરિસ્થિતિ એ થઈ છે કે, આદિવાસી વિસ્તારમાં ઘણા પરિવારોમાં વ્યસનના કારણે એક પણ પુરુષ બચ્યા નથી. જેને ધ્યાનમાં લઈને આદિવાસી વિસ્તાર ગણાતા ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યસન મુક્તિ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા ડાંગ જિલ્લાના ત્રણ અલગ અલગ વિસ્તારમાંથી વ્યસન મુક્તિ યાત્રા યોજવામાં આવી હતી. કલમકિડ, સુબિર અને વઘઇથી વ્યસન મુક્તિ પદયાત્રા નીકળી હતી. જે યાત્રા આહવા ખાતે એકત્ર થઈ હતી. જેમાં મોટી જનમેદનીની જાહેરસભા યોજવામાં આવી હતી. આદિવાસી સમાજ આજે વ્યસનના રવાડે ચડી પતનના રસ્તે ઉભા છે.
આવા કાર્યક્રમો થકી આદિવાસી સમાજ વ્યસનથી મુક્ત થાય તેમજ સમાજ જાગૃત થાય, દેશ બચે અને વ્યક્તિત્વનું નિર્માણ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વ્યસન મુક્તિ પદયાત્રામાં આદિવાસી અમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં વ્યસન મુક્તિના અલગ અલગ સ્લોગન સાથેના બેનરો લઈ વાજતે ગાજતે આહવા પહોંચ્યા હતા.