ડાંગઃ કોરોના વાઇરસ COVID-19ની મહામારીથી ઉદ્ભવેલી પ્રતિકુળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર પેકેજનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લામાં અર્થતંત્રને પુનઃ ધબકતુ કરવા માટે આત્મનિર્ભર યોજના અંતર્ગત જિલ્લાના સબંધિત અધિકારીઓ સાથે કલેક્ટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
કલેક્ટર એન.કે.ડામોરે તમામ અધિકારીઓને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી યોજનાનો લાભ સમયસર મળી રહે તે માટે તમામ અધિકારીઓએ પ્રયાસ કરવાના રહેશે. પ્રોપર્ટી ટેક્ષ, RTOનો ટેક્ષ અને વીજબીલ માફી અંગે સરકારના નિયમો અનુસાર વધુને વધુ લોકોને લાભ મળે તેવી કામગીરી કરવાની રહેશ.
ડાંગ જિલ્લાના ત્રણે તાલુકાઓમાં મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવે જેથી યોજનાનું અમલીકરણ ઝડપી બને કોરોના વાઇરસની અસરને કારણે ધંધા-રોજગારને અસર પહોંચી છે, ત્યારે સરકારની યોજનાથી લોકોને કેવી રીતે લાભ મળે તેવો પ્રયાસ સૌ અધિકારીઓએ કરવાનો રહેશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નાના દુકાનદાર લોકો તેમજ મહિલા સ્વરોજગાર માટે લોન સહાય સત્વરે મળી રહે તેવા પ્રયાસ કરવાના રહેશે.
નિવાસી નાયબ કલેક્ટર ટી.કે.ડામોરે જણાવ્યું હતું કે, હાઉસીંગ ક્ષેત્ર રાજ્ય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને તાલુકા વિકાસ અધિકારીએ તેમની કામગીરી ઝડપથી પૂર્ણ કરી કડિયા, સુથારીકામ જેવા નાના કામ કરતા લોકોને સહાય મળે તેવા પ્રયાસો કરવા સાથે સાથે ખેડૂતોની યોજનાઓમાં આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયતની યોજનાઓમાં ખેડૂતોને કઇ રીતે વધુ મદદ થઇ શકે તે મુજબની કામગીરી કરવાની રહેશે.
આ ઉપરાંત સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, આદિજાતિ, શ્રમ અધિકારી, આગોતરી શિષ્યવૃત્તિ લાભ, વૃદ્ધ પેન્શન તથા જિલ્લા પુરવઠા શાખા દ્વારા ગરીબ કુટુંબોને વિનામૂલ્યે અનાજ મળી રહે અને ગરીબ કુટુંબોના ખાતામાં ડી.બી.ટી.દ્વારા નાણા જમા થઇ જાય તેવા પ્રયાસ કરવાના રહેશે.
આત્મનિર્ભર પેકજની આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, પ્રાંત અધિકારી કાજલબેન ગામીત, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, મામલતદાર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર ડી.એસ.ચૌધરી સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.