ડાંગઃ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીને લઇ કોંગ્રેસ અને ભાજપ પક્ષની બેઠકો શરૂ થઇ છે. ત્યારે શુક્રવારના રોજ કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાએ આહવા ખાતે ડાંગ ભાજપનાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી મંતવ્ય લીધા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટે અગામી દિવસોમાં પેટા ચૂંટણી યોજાનારી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ પાર્ટી દ્વારા ગ્રાઉન્ડ લેવલે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ડાંગ જિલ્લાનાં કોગ્રેસનાં ધારાસભ્ય મંગળભાઇ ગાવિતનાં રાજીનામા બાદ ડાંગનો રાજકીય માહોલ ગરમાયો છે.
મંગળભાઇ ગાવીતનાં રાજીનામાં બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઇ હતી. જિલ્લામાં કોગ્રેસી કાર્યકર્તાઓનું મનોબળ મજબુત કરવા માટે ગુજરાતનાં 10 આદિવાસી ધારાસભ્યો ડાંગમાં આવ્યા હતા.
જે બાદ હવે ભાજપા પાર્ટી દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. શુક્રવારના રોજ આહવા સર્કીટ હાઉસ ખાતે કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપા કાર્યકર્તાઓની મિંટીગ યોજવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં કૉંગ્રેસનાં કદાવર નેતાએ રાજીનામું આપતા ભાજપા પાર્ટીનાં કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. ગત વિધાનસભામાં 2 વખતે ભાજપના ઉમેદવાર હજારથી ઓછા મતે હાર્યા હતા. જ્યારે આ વખતે કોંગ્રેસ પાસે કોઇ કદાવર દાવેદાર ન હોવાથી ભાજપનાં પ્રધાન અને પ્રમુખો દ્વારા પાર્ટી બહુમતી મેળવીને વિજય પ્રાપ્ત કરશે. તેવો દાવો કરાઇ રહ્યો છે.
ભાજપા કાર્યકર્તાઓની મિંટીગમાં કેબીનેટ પ્રધાન ગણપતભાઇ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અગામી ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થશે. જે માટે ભાજપ માઇક્રો પ્લાનીગ અને પેજપ્રમુખને લઇને છેવાડાના માણસો સુધી પહોંચશે સાથે જ જણાવ્યું હતુ કે, અહી કોંગ્રેસ વેર વિખેર થઇ ગઇ છે. તેમજ કૉંગ્રેસનાં કાર્યકર્તાઓમાં નિરાશા છે. જેના લીધે અગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપા 25 હજારથી વધુ મતોની લિડ મેળવશે.
ડાંગ 173 વિધાનસભાનાં ઉમેદવાર માટે હજી સુધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ શક્યુ નથી. જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા મંગળભાઇ ગાવિત ભાજપા પક્ષમાં જોડાશે એવી વાતો વહેતી થઇ હતી. પરંતુ આજની મિંટીંગમાં પણ મંગળભાઇ ગાવીત હાજર ન રહેતા હજીપણ તેઓ કઇ પાર્ટીમાં જોડાશે તે રહસ્યમય બની ગયુ છે. અગામી વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસ અને ભાજપા પાર્ટી દ્વારા બેઠકોનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે.