- વ્યારાનાં શખ્સ દ્વારા લાકડા ચોરીનો પ્રયાસ કરતા વનકર્મીઓ દ્વારા અટકાયત કરવામાં આવી
અટકાયત થતાં આરોપીએ ફોરેસ્ટનું ચેકિંગ નાકું તોડ્યું
વઘઇ કોર્ટે આરોપીને 2 વર્ષની કેદ ફટકારી
ડાંગ: વઘઇ તાલુકાના ભેંસકાતરી ગામે 4 જૂન 2019ના રોજ આરોપી વિપુલ ગામીત દ્વારા પોતાના વાહનમાં જંગલનાં લાકડા ભરીને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા હોવાની બાતમી ભેંસકાતરી રેન્જના વનકર્મીઓને મળી હતી. આ બાામીના આધારે જંગલ ખાતાના સરકારી કર્મચારીઓ દ્વારા હાથથી ઉભા રહેવાનો આરોપીને ઈસારો કર્યો હતો, પરંતુ આરોપી પુરપાટ ઝડપે પોતાના હવાલાનું વાહન હંકારી જઈ ભેંસકાતરી જંગલ ખાતાની ચેકપોસ્ટ નાકુ તોડીને તથા સરકારી કામમાં રુકાવટ કરી હતી. જેથી ફોરેસ્ટ વિભાગે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.
આ પણ વાંચોઃ અરવલ્લીમાં ફોરેસ્ટ ઓફિસરની બેદરકારી, બે દિવસથી રિવોલ્વર થઈ ગુમ
વઘઇ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી
આ ફરિયાદના આધારે વઘઇ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી વઘઇ કોર્ટમાં IPC કલમ 427,186 તથા ડેમેજિસ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ 1984ની કલમ 3 અને 7(2) મુજબ ગુનો દાખલ કરી તપાસના અંતે ચાર્જસીટ રજૂ કરી હતી. જે કેસ નં 445/2019થી વઘઇની કોર્ટમાં ચાલી જતા પડેલા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાના મૂલ્યાંકન પરથી તેમજ મદદનીશ સરકારી વકીલ હેમંત સી.બાગુલની ધારધાર રજૂઆતોઓને ગ્રાહ્ય રાખી વઘઇ કોર્ટનાં પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વી.વી.જોષીએ આરોપી ગામીતને IPC કલમ 427ના ગુનામાં કસૂરવાર ઠેરવી 1 વર્ષની કેદ તથા IPC કલમ 186ના ગુનામાં ઠરાવી 3 માસની સાદી કેદ તેમજ ડેમેજિસ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ 1984ની કલમ નંબર 3 મુજબના ગુનામાં કસૂરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદ તથા રૂપિયા 500નો દંડ ફટકાર્યો છે. વધુમાં આ આરોપી 500 રૂપિયાનો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
વઘઇ કોર્ટ દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી
આમ વઘઇ કોર્ટ દ્વારા IPC કલમ નંબ 427, 186 તેમજ ડેમેજિસ ટુ પબ્લિક પ્રોપર્ટી એકટ 1984ની કલમ નંબર 3 મુજબ આરોપીને કસૂરવાર ઠેરવી 2 વર્ષ અને 3 માસની કેદની સજા ફટકારતા અસામાજિક તત્વોમાં ફફડાટ મચ્યો છે.