- દમણમાં રસીકરણ કેન્દ્ર પર યુવાનોનો ધસારો
- મહારાષ્ટ્ર-ગુજરાતથી પણ લોકો રસી લેવા પહોંચ્યા
- રસીકરણના પ્રથમ દિવસે 793 ડોઝ આપવામાં આવ્યા
દમણ :- દમણમાં નાની દમણ સાર્વજનિક વિદ્યાલય, ડાભેલ સ્વામીનારાયણ સ્કૂલ્ અને ભીમપોર ગર્વમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં 18 વર્ષની વધુ વયના યુવાનો માટે વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ પર કેવી વ્યવસ્થા છે. તે અંગે દમણ કલેકટરે અને જિલ્લા પોલીસવડાએ મુલાકાત લીધી હતી. અધિકારીઓએ કેમ્પમાં ઉભી કરેલી વ્યવસ્થા અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો પણ કર્યા હતાં.
યુવાનોમાં ઉત્સાહ
18થી વધુ વયના યુવાનો માટે સંઘપ્રદેશ દમણમાં ગુરુવારે 793 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પહેલા દિવસે દમણમાં રસી લેવા આવતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક સેન્ટરો પર લોકોની લાંબી લાઈન જોવા મળી હતી.
બહારથી આવેલા લોકોને પરત મોકલ્યા
જો કે પોર્ટલ પર ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોએ પણ રજીસ્ટ્રેશન કરી દેતા પોર્ટલ 18 મેં સુધી ફુલ થઇ ગયું છે. ઉપરથી આ તમામ લોકો પહેલા જ દિવસે છેક સુરત અને ઘોલવડથી વેક્સિન મુકાવવા માટે દમણ પહોંચી જતા વેક્સિનેશન સેન્ટર પર ભારે મુશ્કેલી સર્જાઈ હતી, જે અંગે દમણ કલેકટર રાકેશ મીનહાસ અને જિલ્લા પોલીસવડા કેમ્પ પર આવી પહોંચ્યા હતા. કેમ્પમાં ઉભી કરેલી વ્યવસ્થા નિહાળી પ્રશાસને દમણ ફર્સ્ટની નીતિ અપનાવીને સ્થિતીને સાંભળી લીધી હતી. બહારથી આવેલા તમામ લોકોને પરત મોકલી આપ્યા હતા.
આ પણ વાંચો : દાદરા નગર હવેલીમાં 18થી 44 વર્ષની ઉંમરના લોકોના વેક્સિન ડોઝનો પ્રારંભ
ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
વેક્સિનેશન માટે બહારના લોકોનો દમણમાં ધસારો ના થાય તે માટે થોડો સમય દમણ અને ગુજરાતને જોડતી ચેકપોસ્ટો પણ બંધ કરી દીધી હતી. દરેક વેક્સિનેશન સેન્ટર પર રજીસ્ટ્રેશન સાથે દમણમાં રહેઠાણના પૃફની તપાસ કરાવીને તેમને રસી આપવામાં આવી હતી. તેમજ વેક્સીન મુકાવવા પહેલા દરેક વ્યક્તિના રેપિડ ટેસ્ટની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, જે બાદ તેમને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
પ્રથમ દિવસે 750ની સામે 793 ડોઝ
દમણમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પાંચ કેન્દ્ર ઉપર રાબેતા મુજબ પ્રથમ કે બીજા ડોઝની વેક્સિનેસન આપવાની કામગીરી પણ યથાવત રીતે ચાલુ રહી હતી, જ્યારે 18 થી વધુ વયના યુવાનો માટે અલગથી ત્રણ કેન્દ્ર બનાવાયા છે, જેમાં પ્રતિદિન 750 વેક્સિનની ફાળવણી કરવાનો નીર્ધાર છે. પરંતુ પ્રથમ દિવસે જ વધુ ધસારો જોતા 793 વેકસીન ડોઝ આપવામાં આવ્યાં હતાં.