સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદીપ પાત્રાએ દાદરા નગર હવેલી, દમણ-દિવના ભાજપના કાર્યકરો, આગેવાનોને CAA નાગરિકતા સંશોધન કાનૂન અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. સંદીપ પાત્રાએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે ગાંધીજીએ પણ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ-શીખ અંગે ભારતમાં સમાન નાગરિક્તા મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. જે ઇચ્છા આજે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી પુરી કરી રહ્યા છે. આ પહેલા પણ નાગરિક્તા સંશોધન કાયદા અંગે બી. આર આંબેડકર, જવાહરલાલ નહેરૂ, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, તરૂણ ગોગોઇ, પ્રકાશ કરાત સહિતના નેતાઓએ માગ કરી હતી.
આ કાર્યક્રમમાં CAA કાયદા વિશે માર્ગદર્શન ઉપરાંત તેમણે JNUના મુદ્દાને પણ છંછેડ્યો હતો અને કહ્યું હતું કે, વિરોધ કરવો યુવાનોનો હક્ક છે, પરંતુ તોડફોડ કરવી કે અફવા ફેલાવવી તે યોગ્ય નથી. આ ઉપરાંત કાશ્મીર ધારા, ત્રિપલ તલાક સહિતના ઐતિહાસિક નિર્ણયો અંગે પણ નરેન્દ્ર મોદી, અમિત શાહના વખાણ કર્યા હતાં. સંદીપ પાત્રાને સાંભળવવા દમણ-દિવ અને દાદરા નગર હવેલીના પ્રભારી, દમણના સાંસદ, જિલ્લા પ્રમુખો, પાલિકા પ્રમુખો સહિત બુથ અને મંડળના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.