- દમણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પૂર્ણ
- નગરપાલિકાનું 55.52 ટકા મતદાન
- જિલ્લા પંચાયતનું 73.65 ટકા મતદાન
દમણ : સંઘપ્રદેશ દમણમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન નગરપાલિકામાં 5 કલાક સુધીમાં 55.52 ટકા અને જિલ્લા પંચાયતમાં 73.65 ટકા મતદાન નોંધાયું હતું. હાલ નગરપાલિકાના 51 ઉમેદવારો, જિલ્લા પંચાયતના 72 ઉમેદવારો અને ગ્રામ પંચાયતના 41 સરપંચ અને 199 સભ્યોનું ભાવિ EVMમાં કેદ થયું છે. આગામી 11મી નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની મળીને કુલ 34 બેઠક માટે મતદાન
દમણમાં 8મી નવેમ્બરના રોજ નગરપાલિકાના 15માંથી 12 વોર્ડ, જિલ્લા પંચાયતની 16માંથી 11 બેઠક અને ગ્રામ પંચાયતની 14માંથી 11 બેઠકની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. EVM-VVPETથી દમણના કુલ 204 મતદાન કેન્દ્ર પર આ મતદાન યોજાયું હતું. જેમાં નગરપાલિકામાં 5 કલાક સુધીમાં 55.52 ટકા, જ્યારે જિલ્લા પંચાયતમાં 73.65 ટકા મતદાન નોંધાયું હતું.
નગરપાલિકા વોર્ડ નંબર 7માં સૌથી વધુ મતદાન
મતદાન પ્રક્રિયામાં નગરપાલિકાના 12 વોર્ડમાંથી સૌથી વધુ વોર્ડ નંબર 7માં 70.74 ટકા મતદાન થયું હતું. જ્યારે વોર્ડ નંબર 11માં સૌથી ઓછું 47.77 ટકા મતદાન નોંધાયું હતું.
જિલ્લા પંચાયતમાં મરવડ માં સૌથી વધુ મતદાન
જિલ્લા પંચાયતમાં મરવડ ગ્રામ પંચાયતમાં સૌથી વધુ 85.52 ટકા અને કચીગામ ગ્રામ પંચાયતમાં 84.07 ટકા જ્યારે, ડાભેલ ગ્રામ પંચાયતમાં સૌથી ઓછું 57.98 ટકા મતદાન નોંધાયું હતું.
ભાજપનો ઉમેદવાર પૈસા વહેંચતો હોય તેવો વીડિયો વાઇરલ થયો
દમણમાં વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં મતદારોએ અદમ્ય ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. મતદાન સમયે પોલીસ જવાનો અને સુરક્ષાદળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોય નિર્વિધ્ને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં ભાજપના નગરપાલિકાના વોર્ડ નંબર 02ના ઉમેદવાર મારિયો લોપસ મતદારોને મતદાન માટે પૈસા વહેંચતો હોવાનો વાયરલ થયેલો વીડિયો સિવાય રાજકીય પક્ષોમાં કોઈ બીજી ઘટના બની ન હતી.
નગરપાલિકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત ના મળીને કુલ 363 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ
હાલ નગરપાલિકાના 51 ઉમેદવારો, જિલ્લા પંચાયતના 72 ઉમેદવારો, ગ્રામ પંચાયતના 41 સરપંચ અને 199 સભ્યોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે આગામી 11મી નવેમ્બરના રોજ કાઉન્ટિંગ વખતે ખુલશે. જો કે, ભાજપ દમણની તમામ બેઠકો પર પૂર્ણ બહુમતીનો દાવો કરી રહ્યું છે. તો સામે JDUને સમર્થિત અપક્ષ પેનલે અને અન્ય અપક્ષ ઉમેદવારોએ મતદાનની સરેરાશ ટકાવારી જોતા પોતાના વિજયના દાવા કર્યા છે. એટલે મતગણતરી દરમિયાન જ કોણે કોને હાર આપી તે જાણવા મળશે.