મુખ્ય વન સંરક્ષક વલસાડ વર્તુળ તથા નાયબ વન સંરક્ષક વલસાડ દક્ષિણની સૂચના તથા માર્ગદર્શન મુજબ 6ઠ્ઠી મે 2019થી 8મી જુલાઇ સુધી ટ્રેડવેલ કોર્પોરેશન વાપી ખાતે ઉપલબ્ધ તમામ માલની વનવિભાગે ચકાસણી હાથ ધરી હતી. જેમાં ડેપોમાંથી ગેરકાયદેસર માલ મળી આવ્યો હતો. આ ગેરકાયદેસર માલને ધ્યાનમાં લઇને વાપી રેન્જમાં ટ્રેડવેલ કોર્પોરેશન વાપીના માલિક શૈલેષ મહેતા વિરુદ્ધ ભારતીય વન અધિનિયમ 41(2) B, 69, બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ 1942ની કલમ 88(15) સો મીલ/ડેપો લાયસન્સની શરતો નંબર-4(B),4(C) 4(D)તથા 9નો ભંગ તેમજ જૈવ વિવિધતા ધારો 2002ની કલમ 7 અને 55(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
શૈલેષ મહેતાની વન વિભાગે તાત્કાલિક ધરપકડ કરીને અંદાજિત 30 લાખના મુદ્દામાલની વિગતવાર તપાસ કરી હતી. આ ગુનાના મુળ સુધી પહોંચવા વાપી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે નામદાર કોર્ટે આ અંગે રિમાન્ડ મંજુર ના કરતા શૈલેશ મહેતાને નવસારી કોર્ટમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.
આ ઘટનાને પગલે વાપી, નાનાપોંઢા, ધરમપુર, કપરાડા તેમજ વલસાડ રેંજ વન વિભાગમાં આવતા વિસ્તારમાં ગેરકાયદેસર ઇમારતી લાકડું અને ખેરની ગેરકાયદેસર લાકડા ચોરી કરતી ગેંગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 37 લાખ રૂપિયાના ગેરકાયદેસર લાકડાના વેપારમાં પકડાયેલા શૈલેષ મહેતા એ લાયન્સ ક્લબ ઓફ વાપી નાઈસનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર તેમજ જૈન સોશ્યલ ગ્રુપ વાપીનો મેમ્બર છે. સાથે જ નાઇસ ટ્રાવેલ્સ નામની ટ્રાવેલ્સ એજન્સીનો માલિક છે અને બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) ગ્રુપમાં સભ્ય છે.