દમણઃ પ્લે ફોર યુનિટી શીર્ષક હેઠળ દમણના દાભેલ ખાતે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ પર KPL પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત છે. જેમાં દમણ, ઉમરગામ, વાપી, પારડી તાલુકાના ક્રિકેટ ખેલાડીઓને 8 ટીમમાં સમાવેશ કરી રમાડવામાં આવી રહી છે. સમાજના ભાઈઓમાં એકતા વધે રમતગમત ક્ષેત્રે સમાજનું નામ રોશન કરી શકે તે માટે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હોવાનું સમાજના અગ્રણી અને માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલે જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાત કોળી પટેલ સમાજ દ્વારા પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે આયોજક મહેશ પટેલે વિગતો આપી હતી કે સમાજના યુવાનો રણજી ટ્રોફી સહિત નેશનલ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતા થાય સમાજનું નામ રોશન કરે તે માટે આયોજિત કરવામાં આવી છે. જેમાં IPL ની જેમ કુલ 200 ખેલાડીઓમાંથી 120 ખેલાડીઓની 8 ટીમ તૈયાર કરવામાં આવી છે, જેને 8 સ્પોન્સર્સ દ્વારા ખરીદવામાં આવી છે.


દરેક ખેલાડીને IPLની જેમ ઓક્શન કરી ટીમમાં સમાવેશ કરાયો છે. સમાજમાં પ્લે ફોર યુનિટીની ભાવના મજબૂત બને યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્લેટફોર્મ મળે તેવા ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ કોળી પટેલ પ્રિમયર લીગનું સોમવારે દમણના વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલ માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને સમાજના અગ્રણીઓ દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. જેની આવતા રવિવારે ફાઇનલ રમાશે જેમાં વિજેતા ટીમના ખેલાડીઓને બાઇક અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.