દમણ : વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા સતત 2017થી GPCB ને રજુઆત કરાતી હતી કે, વાપીના ઉદ્યોગોનું 4.094 MLD જેટલું પ્રદૂષિત પાણી CETPમાં મોકલી તેની ટ્રીટમેન્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવે. આખરે રાજ્યના નાણાપ્રધાનની દરમિયાનગીરીથી આ રજૂઆતને મંજૂરી મળી જતા વાપી ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર પ્રસરી છે.
ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ : વાપી CETPમાં વાપી GIDC ના 99 જેટલા ઉદ્યોગો તેમના ઉદ્યોગોનું 4.094 MLD જેટલું પ્રદૂષિત પાણી CETPમાં મોકલી તેની ટ્રીટમેન્ટ કરી શકે તે માટે ગાંધીનગર GPCB દ્વારા મંજૂરી આપી છે. રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની દરમ્યાનગીરીથી આ વર્ષો જુના પ્રશ્નનો નિવેડો આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ઉદ્યોગોની ક્ષમતા વધતા પર્યાવરણીય પ્રશ્નો પણ ઉદ્દભવશે. જેની સામે GPCB દ્વારા ક્લોઝર સહિતની કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં ઉદ્યોગ સંચાલકો પર્યાવરણ બાબતે પણ સજાગ રહે તેવી અપીલ દરેક ઉદ્યોગકારોને કરવામાં આવી હોવાનું VIA પ્રમુખે જણાવ્યું હતું.
પ્રોડક્શન વધશે : આ અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, 2017 થી આ પ્રશ્ન હતો. જે હાલમાં તે વખતના ધારાસભ્ય અને હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની દરમિયાનગીરીથી હલ થયો છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વાપી જીઆઇડીસીના 99 ઉદ્યોગોના બેઝ વોલ્યુમમાં વધારો કરવા અને એ પ્રદૂષિત પાણી CETP માં ઠાલવવાની મંજૂરી માંગી હતી. જે GPCB માંથી મળી ગઈ છે. આ મંજૂરીથી ઉદ્યોગો તેમનું એક્સપાન્શન કરી શકશે, પ્રોડક્શન વધારી શકશે અને દેશના અર્થતંત્રમાં મદદરૂપ બની વધુ રોજગારીનું સર્જન થશે.
પહેલા પર્યાવરણ બાબતે GPCB દ્વારા અનેક કંપનીઓને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવતી હતી. પર્યાવરણીય પ્રશ્નો ખૂબ જ ચર્ચાતા રહેતા હતા. જોકે હાલમાં તે પ્રશ્નો સતત ઘટ્યા છે. પર્યાવરણ બાબતે ઉદ્યોગ સંચાલકો પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. -- સતીશ પટેલ (પ્રમુખ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન)
વાપી GIDC પ્રગતિના પંથે : VIA પૂર્વ પ્રમુખ યોગેશ કાબરીયાએ જણાવ્યું હતું કે, 2015 સુધી વાપી જીઆઇડીસી ક્રિટિકલ ઝોનમાં હતી. ત્યારબાદ તેમના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન તેને ક્રિટિકલ ઝોનમાંથી બહાર કાઢી હતી. વાપી જીઆઇડીસીના ઉદ્યોગોનું જે એફલ્યુંએન્ટ CETP માં જાય છે તે CETP ની કેપેસિટી 55 MLD ની છે. ઉદ્યોગોનું અંદાજિત 50 MLD જેટલું પ્રદૂષિત પાણી CETP માં ટ્રીટ થતું હતું. જોકે તે પછીના ગાળામાં ઇન્ડસ્ટ્રીઝના એક્સપાન્શનને લઈને અનેક રજૂઆત આવી હતી. 55 MLD ની કેપેસિટી વાળા પ્લાન્ટને 70 MLD સુધી લઈ જવો જરૂરી હતો. આ મહેનત આગામી દિવસોમાં ફળશે.
કેવી રીતે કામ કરશે પ્લાન્ટ ? CETP ની હાઇડ્રોલિક કેપેસિટી 70 MLD ની થાય તે માટે પણ હાલમાં પ્રયત્નો ચાલી રહ્યા છે. તે પ્રયત્નોમાં પણ સફળતા મળી હોવાનું યોગેશ કાબરીયાએ જણાવ્યું હતું. CETP ના 55 MLD ના પ્લાન્ટને 70 MLD ની ક્ષમતા સુધી લઈ જવા EC તરફથી મંજૂરી મળી ગઈ છે. નીરી દ્વારા પણ તેનો રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઉદ્યોગોનું 70 MLD પાણી CETPમાં ટ્રીટ થઈ શકશે. તો તે સાથે ઉદ્યોગોનું પાણી CETP માં ટ્રીટ થયા બાદ નીકળતું પાણી ડીપ-સી સુધી પહોંચી શકે તે માટેની પાઇપલાઇનની મંજૂરી પણ માંગવામાં આવી છે. જેથી વાપી અને તેની આસપાસના પર્યાવરણમાં અનેક ગણો ફાયદો થશે. ઉદ્યોગોનું કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સીધું CETP માં જશે અને ત્યાંથી ટ્રીટ થઈ અરબસાગરના ઊંડા દરિયામાં તે ઠાલવી શકાશે.
ઔદ્યોગિક વિકાસ : ઉલ્લેખનીય છે કે, ઘણા વર્ષોથી આ પરવાનગી મળતી નહોતી. જેના કારણે આ ઔદ્યોગિક ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસની ગતિને પણ વેગ મળતો નહોતો. જે અંગે લગાતાર પ્રયત્નોથી હાલમાં GPCB પાસેથી વાપી CETPમાં 4.094 MLD જેટલું ઉદ્યોગોનું પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ કરવા માટે મંજૂરી પ્રાપ્ત થયેલ છે. જેના કારણે વાપી ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર વ્યાપી છે. આ મંજૂરીના લાભાર્થી લગભગ 99 ઉદ્યોગો છે. જેમાંથી મોટાભાગના નાના કેમિકલ અને ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ અને પેપરમિલના ઉદ્યોગો છે. જેમાં પ્રોડક્શન અને એક્સપાન્શનથી વાપીના ઉદ્યોગોને પ્રોડક્શન વધારવા અને નવો રોજગાર આપવા માટે ગતિ મળશે.