ઉમરગામ નારગોલ વિસ્તારમાં દરિયાકાંઠા પર પ્રદૂષણની માત્રા વધી છે. વધતા પ્રદુષણને છેલ્લા 15 દિવસથી સ્થાનિક ગણ્યા ગાંઠ્યા યુવાન માછીમારો સાફ કરી રહ્યા છે. આ અહેવાલ ETV ભારતે પ્રસારિત કર્યા બાદ નારગોલ ગામના લોકો પણ સ્વેચ્છાએ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે. રવિવારે નારગોલ ગામના માછી સમાજના યુવાનો દરિયા કિનારે પહોંચ્યા હતા. અને વરસાદી માહોલમાં રેઇનકોટ છત્રીમાં સજ્જ બનીને પણ કાંઠા વિસ્તારમાં ફેલાયેલ પ્લાસ્ટિકના થેલીઓ, ઝંક ફૂડના વેસ્ટ પેકેટ્સ, ઘરેલુ કચરો સહિતનો તમામ કચરો એકઠો કરી આખા કિનારાની સફાઈ હાથ ધરી છે.
![Daman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-30june-seaside-cleaning-campaign-impact-photo-gj10020_30062019121353_3006f_1561877033_477.jpg)
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા બંને વિસ્તારના દરિયા કિનારાની વચ્ચે આવેલ વારોલી ખાડીમા કોઈ ગંદો કચરો ઠાલવી ગયું છે. આ કચરાથી નારગોલ ઉમરગામ, ખતલવાડ, ઝાઇ વગેરે વિસ્તારના માછીમારોને ભારે નુકશાન થઈ રહ્યું છે. તેમજ પ્રવાસીઓ તથા સવારે મોર્નિંગ વોક કરનારાઓ માટે હાનિકારક બની રહ્યું છે. આ કુડા કચરા સહિતના પ્રદૂષણનું નારગોલ બંદરના માછીમાર નવયુવાનોએ નોંધ લઇ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. એક અઠવાડિયાથી સતત આ સફાઈ કામગીરીની મુલાકાત નારગોલની સેવાભાવી સમભાવના મંડળે લીધી હતી. અને આ રીતે સાગરતટને પ્રદુષિત કરનારાં ઈસમોને પકડવા માટે ₹ 11000/-નાં ઇનામની જાહેરાત કરી છે.
![Daman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-30june-seaside-cleaning-campaign-impact-photo-gj10020_30062019121353_3006f_1561877033_512.jpg)
જે અંગેનો અહેવાલ ETV ભારતે પ્રસારિત કર્યો હતો. જે બાદ અન્ય કેટલીક સંસ્થાના યુવાનો, માછી સમાજના યુવાનો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે. ઉમરગામ નારગોલ વિસ્તારના દરિયા કિનારે મહત્તમ માંછીમારોની વસ્તી છે. અને માછીમારીએ જ એમનો મુખ્ય વ્યવસાય છે. એ ઉપરાંત આ તટ રમણીય પ્રવાસન સ્થળ તરીકે પણ લોકપ્રિય હોય તેને પ્રદૂષણનું ગ્રહણ ના નડે તે માટે ગામલોકોએ અને સ્થાનિક સંસ્થાઓએ આ બીડું ઝડપ્યું છે. જેને હવે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.