પર્યટન રાજયપ્રધાનનો સ્વતંત્ર હવાલો ધરાવતા પ્રહલાદસિંહ પટેલ સાથે દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરે પ્રદેશના પ્રવાસન ક્ષેત્રના પ્રશ્નોને લઈને એક મુલાકાત યોજી હતી. મુલાકાત દસરમ્યાન પટેલે ડેલકરને 7મી ટર્મમાં જીત મેળવ્યા બદલ ખુશી વ્યક્ત કરી શુભેચ્છા આપી હતી. તેઓની આ મહત્વની મુલાકાત દરમિયાન દાદરાનગર હવેલીના પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ કરવા બાબતે ચર્ચા કરી હતી. સાંસદ મોહન ડેલકરે પ્રદેશની પ્રાકૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિથી પર્યટન રાજયમંત્રી પ્રહલાદસિંહ પટેલને વાકેફ કર્યા હતા.
પ્રાકૃતિક સૌંદર્યના આધારે દાનહમાં ટુરિઝમ સેન્ટર ઘોષિત થાય તો તેના ફાયદાઓ, પ્રવાસન ઉદ્યોગનીતિ, હોટલ ઇન્ડસ્ટ્રીઝ થકી પ્રદેશના સ્થાનિકોને અને યુવાઓને રોજગારીના લાભો મળી શકે અને ખાસ કરીને મોટા પ્રમાણમાં રેવન્યુ ઉપલબ્ધ થશે. તેના ફાયદાઓ બાબતે ચર્ચા કરી હતી. પ્રવાસન ક્ષેત્રમાં દાદરા નગર હવેલીને દેશ - દુનિયાના નકશા પર નવી ઓળખ મળી શકે તેવા અનેક સ્ત્રોત હોવાનું સાંસદે પર્યટન મંત્રીને ભારપૂર્વક જાણાવ્યું હતું
મંત્રી પ્રહલાદસિંહ પટેલે સાંસદ મોહન ડેલકરની રજૂઆતો પર ધ્યાન આપવા અને મંત્રી તરીકે નહીં પણ મિત્ર તરીકે કામ કરવાની વાત કહી હતી. આગામી દિવસોમાં આ મિત્રતાનો મોટો ફાયદો સંઘપ્રદેશ દાદરાનગર હવેલીને થશે, અને પર્યટન સ્થળ તરીકે નવી ઓળખ મળશે તેવી શક્યતાઇ સેવાઇ રહી છે.