દાહોદ: દાહોદના ખંગેલા ચેકપોસ્ટ પર ઉત્તર પ્રદેશના શ્રમિકો ભરેલા વાહનો મધ્યપ્રદેશ સરકાર દ્વારા રોકી દેવામાં આવતા ખંગેલા ચેકપોસ્ટ પર મોટી સંખ્યામાં શ્રમિકો ભેગા થઇ ગયા હતા. શ્રમિકો દ્વારા ભારે હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન શ્રમિકોમાં રહેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર પથ્થર મારો કરતાં પોલીસ વાહનને નુકસાન થવા પામ્યું હતું તેમજ પોલીસ કર્મીને ઈજાઓ થઈ હતી પોલીસે બળપ્રયોગ કરી ટોળાને શાંત કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા હાલ યુ.પી.તેમજ મધ્યપ્રદેશના શ્રમિકોને સરકારી વાહનો મારફતે તેમજ ખાનગી વાહન મારફતે જે તે સરહદી વિસ્તાર ખાતે મુકી આવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન યુપી સરકાર દ્વારા પોતાના જ નાગરિકોને હાલ પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતા અને પોતાના રાજ્યોમાં પ્રવેશ નહીં આપતા આવા સમયે ગાડીઓ ભરીને તેમજ પગપાળા જઈ રહેલા શ્રમિકો દાહોદ જિલ્લાના ખંગેલા ચેકપોસ્ટ ખાતે આ શ્રમિકોને મધ્યપ્રદેશ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે ખંગેલા ચેકપોસ્ટ પર શ્રમિકોથી ભરેલી ગાડીઓની લાંબી કતારો જામી ગઈ હતી અને બીજી તરફ શ્રમિકો રસ્તા ઉપર પણ ઉતરી આવીને ચક્કાજામ કરી દીધો હતો અને આવશ્યક ચીજવસ્તુઓની ગાડીઓને પણ આગળ જતી અટકાવી હતી.
દાહોદ પોલીસ દ્વારા શ્રમિકોને શાંત રહેવાની અપીલ પણ કરી હતી પરંતુ ઉશ્કેરાયલા યુ.પી.ના શ્રમિકો દ્વારા દાહોદ પોલીસ પર પથ્થર મારો કરતાં એકક્ષણે ઉપસ્થિત સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. શ્રમિકો દ્વારા સતત પથ્થર મારો ચલાવતા પોલીસની ગાડીઓના કાચ તુટ્યા હતા અને કતાર બંધ ઉભેલી બીજી ગાડીઓ ઉપર પણ યુપીના શ્રમિકોએ પથ્થર મારો કરતાં આ ગાડીઓના કાચ પણ તુટ્યા હતા. આ પથ્થર મારામાં કેટલાક પોલીસ કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી હતી.
પોલીસ દ્વારા આ બાદ શ્રમિકોના ટોળાને કાબુમાં લેવા માટે બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી. દાહોદ પોલીસ તોફાની ટોળાના અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવને પગલે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર અને જિલ્લા સમાહર્તા વિજય ખરાડી તાત્કાલિક ખંગેલા ચેકપોસ્ટ પર પહોંચીને રૂબરૂ મુલાકાત લીધી હતી તેમજ ત્યાં પછી તમામ પરપ્રાંતિયોની રહેવા જમવા સહિતની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.