દાહોદઃ જિલ્લામાં ગુરૂવારે એક સાથે ૩ કોરોના દર્દીઓ સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં વધારો થતાં લોકોમાં ચિતાનો માહલ પણ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 14 પર પહોંચી છે.
નવા નોંધાયેલા કેસમાં એક ઝાલોદ તાલુકાના લીમડીનો, બીજો કેસ દાહોદનો તેમજ ત્રીજો કેસ ફતેપુરા તાલુકાના ધનીકુંટ ગામનો છે. દાહોદમાં હવે એક્ટીવ કેસોની સંખ્યા 14 પર પહોંચી છે. આ તમામ દર્દીઓ હાલ દાહોદની કોવિડ -19 ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાંથી શંકાસ્પદ દર્દીઓના 118 સેમ્પલો લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા. જેમાંથી 115 નેગેટીવ રિપોર્ટ આવ્યાં છે. બાકીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જે પૈકીના લીમડીમાં રહેનારા વિશાલ પલવેચા જેઓ વડોદરાથી આવ્યાં હતા, નરૂભાઈ સંગાડા અને ત્રીજા દર્દી ફતેપુરા તાલુકાના નીકુંટ ગામના રાજેશ મકવાણા જેઓ અમદાવાદ ખાતેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. વધુ ત્રણ પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થતાં આરોગ્ય તંત્ર દ્વારા આ ત્રણેય દર્દીઓના સંપર્કમાં આવેલાઓનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે.