દાહોદઃ શહેરના નસીરપુર ગામથી કતલને ઈરાદે 22 ગાયને શહેરના કસ્બા વિસ્તારમાં લાવવામાં આવી હતી, ત્યારે ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત પણે કામગીરી કરી ગાયોને લઈને આવનારા ઈસમોનો પીછો કર્યા હતો પરંતુ આ ઇસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દાહોદ ઇન્દોર હાઇવે રોડ, સ્થિત નસીરપુર દરગાહ તરફ જતા માર્ગ પર કેટલાક ઇસમો 22 ગાયોને લઈ દાહોદ કસ્બા તરફ ગાયોને કતલના ઇરાદે લઈ જઈ રહ્યા હોવાની બાતમી દાહોદ ગૌરક્ષક ટીમને થતા તેઓએ દાહોદ ટાઉન પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
દાહોદ શહેર પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી.પટેલ તેમની સાથેના સહકર્મીઓ જયદીપભાઇ બારીયા, રવિભાઈ માળી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુવાર, કીર્તિપાલભાઈ સોલંકી, કનુભાઈ બાંભા સહિત ટાઉન પોલીસનો કાફલો નસીરપુર ખાતે પહોંચી ગયો હતો અને ત્યાં વોચ ગોઠવી ઉભા હતા.
તે સમયે જ 22 ગાયો સાથે કેટલાક ઇસમો નજરે પડતાં તેઓનો પીછો કર્યો હતો. કતલ માટે ગાય લાવી રહેલા ઇસમો પોલીસને જોઈ ગાયોને છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે 22 ગાયોને કબજે લઇ સુરક્ષિત નજીકની અનાજ મહાજન ગૌશાળા ખાતે મોકલી આપી હતી. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.