દાહોદઃ દાહોદમાં હોમક્વોરેન્ટાઈનનો ભંગ કરી જેસાવાડા ડેરીની દુકાને વેપાર કરવા ગયેલા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. મહારાષ્ટ્રના નાસિકથી દાહોદ આવેલા પરિવારને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકીંગ કર્યા બાદ હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરિવાર હોમ ક્વોરેન્ટાઈન દરમિયાન બહાર નીકળતા વાઈરસ ફેલાવાનો ભય હોવા છતાં પણ પરિવારના મોભી દ્વારા જેસાવાડા મુકામે વેપાર ધંધો કરવા જતા રહ્યાંનું આરોગ્ય વિભાગને ધ્યાને આવતા તેમની વિરુદ્ધ દાહોદ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દાહોદ શહેરના સહકાર નગરના રહેવાસી મહેન્દ્રભાઈ રતિલાલ નિકુંજ નાના દીકરાની પત્નીને મહારાષ્ટ્રના નાસિકથી લોકડાઉન દરમિયાન લઈને દાહોદ મુકામે આવ્યા હતા. દાહોદ આવતા તેમને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ 14 દિવસ માટે મહેન્દ્રભાઈ તેમજ તેમના દીકરાની પત્ની શિવાનીબેનને સહકાર નગર સ્થિત તેમના મકાનમાં હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા મહેન્દ્રભાઈ નિકુંજ નિયમનો ભંગ કરીને ઘરની બહાર નીકળી વેપાર-ધંધા અર્થે જેસાવાડા ગયા હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યું હતું.
આરોગ્ય વિભાગે શહેર પોલીસને જાણ કરી હતી. જેના કારણે દાહોદ ટાઉન પોલીસે પણ ચકાસણી હાથ ધરી હતી. જેમાં મહેન્દ્ર રતીલાલ નિકુંજ પોતાની જેસાવાડા ખાતે આવેલી ડેરીની દુકાનમાં વેપાર ધંધા અર્થે ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે હોમ ક્વોરેન્ટાઈનના ભંગ બદલ મહેન્દ્ર રતીલાલ નિકુંજ વિરુદ્ધ ફરિયાદ કરી છે.