દાહોદઃ દાહોદ જિલ્લામાં સતત કોરોનાનો વિસ્ફોટ થવાના પગલે શહેર સહિત જિલ્લાવાસીઓમાં ભય ફેલાયો છે. દાહોદ જિલ્લામાં આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 27 પોઝિટિવ કેસો બહાર આવતા જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.જેમાં એક આરોગ્ય કર્મીનો પણ સમાવેશ થયો છે. દાહોદ જિલ્લામાં નવા 27 દર્દીઓ પૈકી 25 દર્દીઓ દાહોદ શહેરના નોંધાયા છે. આજે બુધવારે 6 દર્દીઓ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવી છે. જ્યારે 182 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દાહોદ જિલ્લામાં કોરોના વાઈરસ લોકલ સંક્રમણ વધતા દાહોદ શહેરમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસતી જોવા મળી રહી છે. જેના લીધે દાહોદ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનની પરિસ્થિતી જોવા મળી રહી છે. દાહોદ શહેર કોરોના સંક્રમણની નાગચૂડમાં જકડાયેલો જોવા મળી રહ્યો છે. કોરોનાના કહેરથી શહેરનો કોઈ પણ વિસ્તાર બાકાત રાહ્યો નહી હોવાના કારણે શહેરની પરિસ્થિતિ દિન પ્રતિદિન બદથી બદતર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના 66 દર્દીઓ સામે આવતા દાહોદની પરિસ્થિતિ આવનારા સમયમાં કેવી કપરી હશે તેની કલ્પનાથી જ લોકોમાં કંપારી છૂટી જાય તેમ છે. આરોગ્ય વિભાગે ગઇકાલે 147 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા, જે પૈકી 120 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
પૂર્વ નગરપાલિકા સહિત શહેરના નામાંકિત વ્યક્તિઓનો સામેલ છે. આજરોજ પોઝિટિવ નોંધાયેલા કુલ 27 દર્દીઓમાંથી એકલા દાહોદ શહેરમાં 25 કેસો નોંધાતા એક પ્રકારનો ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે હાલ આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે ટ્રેસીંગ કરી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ જેતે વિસ્તારને કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કરી સેનિટાઈઝ સહિત દવાના છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં નવા નોંધાયેલા દર્દીઓ સાથે કોરોનાના કુલ આંક 320 પર પહોંચવા પામ્યો છે. જ્યારે 117 દર્દીઓ કોરોના મુક્ત થઇ જવા પામ્યા છે.જ્યારે 20 દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે.