દશામાનું મૂર્તિ વિસર્જન હોય કે, ગણેશ વિસર્જન. આ બંને તહેવારોમાં નદીમાં ડૂબવાથી થતાં મોત જાણે સામન્ય થઈ ગયા છે. આવા કિસ્સાઓમાં લોકો પ્રશાસનનો વાંક કાઢે છે પણ દરેક વખતે પ્રશાસની જ ભૂલ હોય તે જરૂરી નથી. કેટલીક વખતે લોકોએ સાવચેત રહેવાની જરૂર હોય છે.
રવિવારના રોજ દશામની મૂર્તિ વિર્સજન કરાયું હતું. ત્યારે પણ આ મોતનો સિલસિલો જોવા મળ્યો હતો. જિલ્લાના ગરબાડા ગામે અતુલભાઈ ભાભોરનું ખોડવા નદીમાં ડૂબવાથી અને ધાનપુર તાલુકાના જાબુનગર ગામમાં સંજય બારીયાનું ગરનાળામાં ડૂબવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ ચાલું કરવામાં આવી હતી.
દર વર્ષે આવી અનેક ઘટનાઓ બને છે. જિલ્લાવાર પાણી ડૂબવાથી થતાં મોતના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે તંત્ર એનું કામ અને લોકો શોક વ્યક્ત કરીને ઘટનાને ભૂલી જાય છે. આ રીતે આવી ઘટનાઓ અવિરત પણ ચાલતી રહે છે. પણ કોઈ તેની પાછળના કારણને તપાસવાની કે સમજવાની તસ્દી લેતું નથી. મોટાભાગે આવી ઘટનાઓમાં તંત્રની બેદરકારી માથે દોષનો ટોપલો ઢોળી દેવામાં છે. જો કે, કેટલાંક કિસ્સાઓમાં તંત્રની બેજવાબદારી જોવા પણ મળે છે. પણ દરેક વખતે તંત્રને જ જવાબદાર ગણવું પણ યોગ્ય નથી.
મૂર્તિ વિસર્જનને લઈ લોકોમાં એવી લોકમાન્યતા છે કે, મૂર્તિને ઊંડા પાણીમાં પધરાવવી. જેથી મૂર્તિ ખંડિત થયા વિના વહેણમાં વહી જાય. એટલે લોકો નદીના ઊંડાણવાળા ભાગમાં જઈને મૂર્તિ ડૂબાડવા જાય છે. જેમાં મોટાભાગના લોકો મોતને ભેટે છે. છતાં આ પરિસ્થિતિમાં કે માન્યતામાં કોઈ પરિવર્તન આવતું નથી.
કેટલાંક નદી,તળાવ અને નહેરોમાં તરૈયાઓ પણ કમાણી કરવા માટે ઊંડાણવાળા પાણીમાં મૂર્તિ ડૂબાડવાના પૈસા લઈ રોજગારી મેળવે છે. પણ ઘણીવાર પાણીના જોરમાં તરૈયાઓના પણ ડૂબવાના કિસ્સાઓ સામે આવતાં રહે છે. એટલે પરિસ્થિતિમાં દુ:ખ વ્યક્ત કરવાની સાથે થોડા તાર્કિક કારણો વિશે પણ વિચારવું જરૂરી બને છે. આવી ઘટનાઓમાં તંત્ર સાથે લોકોને પણ જવાબદાર બનાવાની જરૂર છે. જેથી આવા આકસ્મિક બનાવોને ટાળી શકાય.