દાહોદ: વૈશ્વિક કોરોના મહામારીનેે ધ્યાનમાં રાખીને દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યા છે. બંને વિભાગોએ સંયુક્તપણે કોરોના મહામારીને અટકાવવા માટે તાત્કાલિક અસરથી ધન્વંતરી રથનું આયોજન કરી કન્ટેનમેન્ટ એરિયામાં ચકાસણી હાથ ધરી છે.
આ બાબતે જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી થાય તે જરૂરી છે. કોરોના સંક્રમણના શરૂના જ તબક્કામાં જ જાણ થઇ જાય તો અન્ય વ્યક્તિઓને સંક્રમિત થતા અટકાવી શકાય છે અને જે તે વ્યક્તિના પણ જલ્દી સાજા થવાની શકયતા ખૂબ વધી જાય છે. માટે નાગરિકોને ઘરઆંગણે આરોગ્ય તપાસણીનો લાભ મળી રહ્યો છે. તેનો અવશ્ય લાભ લેવો જોઈએ.
દાહોદ નગરનાં કોરોનાથી સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેવા કે, ગોવિંદનગર, ગોદી રોડ, ગોધરા રોડ, ડબગરવાડ, ઘાંચીવાડ, દેસાઇવાડ સહિતના વિસ્તારોમાં ઘન્વંતરી રથ દ્વારા લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે. સાથે આયુર્વેદ અને હોમિયોપેથીની રોગપ્રતિકારક શક્તિની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાગરિકોને કોરોના સામે શું સાવચેતી રાખવી તેની માહિતી આપવામાં આવી રહી છે.
દાહોદ નગરના 33 ધન્વંતરી રથ સહિત કુલ 55 જેટલા ઘન્વંતરી રથ જિલ્લામાં નાગરિકોની આરોગ્યની સઘન તપાસ, નિદાન અને સારવાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ઘન્વંતરી રથ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશને ખૂબ જ સફળતા મળી છે અને દેશભરમાં આ મોડલની સફળતા પ્રશંસાપાત્ર બની છે.