દાહોદઃ કોરોના વાઈરસના અંધકાર સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે 9:00 વાગ્યે નવ મિનિટ સુધી ઘરની લાઈટો બંધ કરીને મીણબત્તી પ્રગટાવી, ટોર્ચ લાઇટ ચાલુ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાનની આપીને માન આપીનેે દરેક નાગરિક પોતાના ઘરમાં મીણબત્તી કે દીવડા સળગાવવું. જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે ઉક્ત સંદર્ભમાં જણાવ્યું કે, દાહોદમાં સીઆરપીસીની કલમ નંબર 144 મુજબનું જાહેરનામુ અમલમાં છે. આ ઉપરાંત નેશનલવાઇડ લોકડાઉન પણ છે. એથી કોઇએ પણ ઘરની બહાર નીકળીને દીવડા પ્રગટાવાના નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, આ પ્રવૃત્તિ ઘરમાં રહીને જ કરવાની છે. હાથમાં સેનિટાઇઝર લગાવ્યું હોય ત્યારે દીવા પ્રગટવા નહી અને પ્રગટેલા દીવાથી દૂર રહેવું. કોઇએ પણ પણ ઘરની બહાર નીકળીને શેરીગલીમાં ટોળે વળવાની જરૂર નથી.
જો એમ કરવામાં આવશે તો દાહોદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામાના ભંગ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવશે. DSP જોયસરે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં કોઇની અંગત, સામાજિક કે ધાર્મિક લાગણી દૂભાઇ એવા મેસેજીસ સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ કરનારા સામે પણ હવે દાહોદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે. અફવાઓ ફેલાવનારા પાંચ વ્યક્તિ સામે પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે. આવા તત્વો સમાજમાં ખોટી વાતો કરીને લોકોની લાગણી છંછેડે છે. આવા લોકોની જાણ પોલીસને કરવા તેમણે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકડાઉન લોકોના હિતમાં છે.