- હિરેન પટેલ હત્યા કેસના મુખ્ય આરોપી માજી સાંસદ પુત્ર અમિત કટારાની ધરપકડ
- ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલરની હત્યામાં અમિત કટારાનું નામ બહાર આવ્યું
- પોલીસ અમિત કટારાની પૂછપરછ કરશે
દાહોદ : ઝાલોદ નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા આરોપીને ATS હરિયાણાથી ઝડપાયા બાદ ગુજરાત લાવી હતી. જેની પૂછપરછમાં આ હત્યાકાંડમાં કોંગ્રેસના ધારાસભ્યના ભાઈ અને માજી સાંસદ પુત્ર અમિત કટારાનું નામ બહાર આવતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો. મુખ્ય આરોપી તરીકે અમિત કટારાનું નામ આવતા લોકલ ક્રાઇમ બ્રાંચે અમિતની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલીને પૂછપરછ હાથ ધરી છે.
દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકામા ભાજપનું શાસન બેસાડવામાં કિંગ મેકરની ભૂમિકા ભજવનાર ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની આશરે ત્રણ મહિના પહેલા મોર્નિંગ વોક દરમિયાન વાહનથી ટક્કર મારી હત્યા કરવામાં આવી હતી. અત્યારે તટસ્થ તપાસ માટે નગરમાં લોકજુવાળ ભભૂકતા જિલ્લા પોલીસ વડાએ આ કેસની વિવિધ એજન્સીઓને તપાસ સોંપી હતી. જે તપાસ દરમિયાન ઈરફાન પાડા, અજય કલાલ સહિત આ કેસમાં સંડોવાયેલા મધ્યપ્રદેશના વીડિયો આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં ઇમરાન ઉર્ફે ઇમુ ગુડાલાનું નામ બહાર આવ્યું હતું.
ગુજરાત ATSએ હરીયાણા પોલીસની મદદથી ઇમુને ગુજરાત લાવી
ઇમરાન ગુડાલાનું નામ બહાર આવતાં જ તે ફરાર થઈ ગયો હતો અને ત્રણ માસથી વિવિધ જગ્યાઓ પર આશરો લઇ રહ્યો હતો. તે સમય દરમ્યાન ગુજરાત ATSને માહિતી મળી હતી કે, ઈમુ ઉર્ફે ઇમરાન ગુડાલા હરિયાણા રાજ્યમાં છે. જેથી ગુજરાત ATSએ હરીયાણા પોલીસની મદદથી ઇમુને ઝડપી પાડી ગુજરાત લાવી હતી. ઇમરાન ગુડામાલાની પૂછપરછમાં એટીએસ પાસે કોંગ્રેસના ધારાસભ્યો ભાવેશ કટારાના નાનાભાઈ અને માજી સાંસદ પુત્ર બાબુભાઈ કટારા નાના પુત્ર અમિત કટારાનું નામ સોપારી આપવામાં બહાર આવ્યું હતું. જેથી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે હત્યાકાંડમાં સંડોવાયેલા અમિત કટારાને તેમના ઘરે ચિત્રોડીયા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો અને દાહોદ LCB કચેરીએ લાવવામાં આવ્યો છે આ બહુચર્ચિત હત્યાકાંડમાં અમિત કટારાની ભૂમિકા શું છે. અમિત કટારાએ સોપારીના પૈસા આપ્યા છે કે કેમ, સહિતની પૂછપરછ કરવા માટે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.