દાહોદ: જિલ્લા પંચાયતની 50 સીટો પૈકી હાલ 48 સીટો ભાજપ પાસે છે અને 2 સીટો કોંગ્રેસ પાસે છે. દાહોદ જિલ્લા ભાજપા દ્વારા નો રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી. જેમાં જે કાર્યકર્તા જિલ્લા સભ્ય હોય, ગત વિધાનસભામાં સારો દેખાવ કર્યો હોય અને તેમની કામગીરી પ્રશંસાલાયક હોવાથી દાહોદ જિલ્લામાં પ્રમુખ કારોબારી પદ માટે દક્ષિણ પટ્ટી એટલે ગરબાડા, લીમખેડા, ધાનપુર, આદિવાસી પટેલીયા સમાજને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું હતું.
પ્રમુખ તરીકે કરણસિંહ ડામોરની પસંદગી: આજે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કરણસિંહ સોમજીભાઈ ડામોરની પસંદગી કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે અરવિંદાબેન પટેલિયાની નિમણૂક કરવામાં આવી છે. પંચાયતના કારોબારી ચેરમેન તરીકે અભેસિગ વસાભાઇ મોહનીયાની પસંદગી કરાઈ છે તો શાસકપક્ષના નેતા તરીકે પ્રતાપ પારગીની વરણી કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવા ચૂંટાયેલા હોદ્દેદારોનું પુષ્પહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ સોમજીભાઇ ડામોર જણાવ્યું હતું કે પાર્ટીના તમામ આગેવાનો અને અગ્રણીઓના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું કે મારા પર વિશ્વાસ મૂકીને મને આ પ્રમુખ પદની જવાબદારી આપી છે. આ વિશ્વાસને સાર્થક કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ.
કયા વિસ્તારના છે પ્રતિનિધિ: નવા ચૂંટાયેલા હોદ્દેદારોની સભ્ય સીટની વાત કરવામાં આવે તો નવનિયુક્ત પ્રમુખ કરણસિંહ ડામોર બાવકા સીટના સભ્ય છે. આદિવાસી પટેલિયા સમાજના આગેવાન છે અને સાદગીભર્યો સ્વભાવ ધરાવે છે. નવનિયુક્ત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયાએ રુવાબારી સીટના સભ્ય છે તો શાસક પક્ષના નેતા પ્રતાપ પારગી ઘુઘસ સીટના સભ્ય છે અને કારોબારી ચેરમેન અભેસિગભાઇ વસાભાઇ મોહનીયા સજોઈ સીટના સભ્ય છે.