દાહોદ : આરોપીએ પોતે આર્મી ઓફિસરની ઓળખ આપી છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. દાહોદ ગોધરા રોડ ખાતે આવેલ પાર્થ એકેડમીમાં આર્મીનું કામ ચાલે છે તેથી સો સીમેન્ટની થેલીઓની જરૂર છે તેવું વેપારીને જણાવ્યું હતું. સીમેન્ટ ડીલર આશિષભાઈ નાયક પાસે આ રીતે સીમેન્ટ મંગાવી તે સીમેન્ટના નાણાં ઓનલાઇન મોકલવાની વાત કરી હતી. જેના ઝાંસામાં વેપારી આવી ગયાં હતાં.
80,000 ટ્રાન્સફર કરાવી લીધાં : સીમેન્ટના વ્યાપારી આશિષભાઈ નાયક પૈસા ટ્રાન્સફર કરવા માટે ક્યુઆર કોડ મારફતે પોતાના બેંક એકાઉન્ટમાં 80,000 નાણાં ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી. બાદમાં વેપારી ડીલર આશિષભાઈ નાયકે એ નાણાં મેળવવા પ્રયત્ન કરતા પોતે છેતરાયાં હોવાની જાણ થઇ હતી. તેમણે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાતા સાયબર સેલ દાહોદની ટીમ પીઆઇ ડી.ડી પઢીયારે મોબાઈલ નંબર મેળવી તેનું એનાલિસીસ કરી ટેક્નિકલ સોર્સ દ્વારા આરોપી રાજસ્થાન રાજ્યના અલવરમાં હોવાનું જણાયું હતું. દાહોદ સાયબર સેલની ટીમે આરોપીના વતન અલવર જિલ્લામાં જઈને આરોપીને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ 2 મોબાઈલ સહિત આ ઠગાઇના ગુનામાં સંડોવાયેલા આરોપી વાજીદભાઈ યુનુસભાઈ મેઉને તેઉવાસ ગામેથી તથા મોહમ્મદ આસિફ જમાલ ખાન રુગબાર ગામેથી ત્રીજા આરોપીને મુબારકભાઈ નસરુદ્દીન મેઉને લાદિયા ગામેથી ઝડપી પાડ્યા હતાં. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...ડો. રાજદીપસિંહ ઝાલા ( દાહોદ ડીએસપી )
આરોપીઓની મોડસ ઓપરેન્ડી : આ ત્રણેય આરોપી અલગ અલગ વસ્તુઓ આર્મી ઓફિસરના નામે વેચવાના બહાને અને ખરીદવાના બહાને ફરિયાદીઓને છેતરીને પેમેન્ટ લઈ લેતાં હતાંં. આ પેમેન્ટ અલગ અલગ ઈવોલેટ દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવતાં હતાં. આ કિસ્સામાં આરોપીઓએ amazon માં પેમેન્ટ ટ્રાન્સફર કરાવડાવ્યું હતું. પોલીસે પણ સંપૂર્ણ ટેકનિકલ એનાલિસીસના માધ્યમથી ભેદ ઉકેલી લીધો છે. હાલ ત્રણ આરોપી ઝડપાયા છે અને બે પકડવાના બાકી છે. ફરાર આરોપીઓને પકડવા માટે હાલ દાહોદ સાયબર સેલ રાજસ્થાનમાં કાર્યરત છે.