દાહોદ : ગરબાડા તાલુકાના ભીલવા ગામના 27 વર્ષીય લાલજીભાઇ બારિયાને તેમના રાજસ્થાનના ભવાની મંડીના પ્રવાસ દરમિયાન કોરોના વાઈરસનું સંક્રમણ થયું હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા થયેલી તપાસમાં બહાર આવ્યું હતું.
તાવ અને શરદીની બિમારી થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાવવાના કારણે તેના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરીક્ષણ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જ્યાં લાલજીભાઇને 18 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને ત્રણ વખત ઓક્સિઝન ઉપર રાખવામાં આવ્યા હતા. આ દિવસો દરમિયાન ડો.મોહિત દેસાઇ અને તેમની ટીમે સારવાર કરી હતી. કોરોનાગ્રસ્ત દર્દીને હાઇડ્રોક્સીક્લોક્વિન, એઝીથ્રોમાઇસીન સહિતની દવાઓ આપવામાં આવી હતી. બાદમાં તેમની તબિયત સુધારા ઉપર આવતા ફરીથી કોરોનાના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં તેમણે પોષક આહાર, નાસ્તા, લિંબુ સરબત સહિતનું ડાયેટ આપવામાં આવતું હતું. સિવિલ હોસ્પિટલ ખાતેથી લાલજીભાઇને રજા આપવામાં આવતા કલેક્ટર વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયા સહિતના અધિકારીઓએ તેમની ખબર અંતર પૂછ્યા હતા. કોરોનાને પરાસ્ત કરવા બદલ તાળીઓથી અભિવાદન કર્યું હતું. એમ્બ્યુલન્સમાં બેસાડીને લાલજીભાઇને તેમના ગામ ભીલવા લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમને 14 દિવસ માટે હોમકોરોન્ટાઇન રહેવા જણાવ્યું છે. દાહોદ જિલ્લાના આ ત્રીજા દર્દી કોરોનાથી મુક્ત થઇ ગયા છે. હવે, માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે.