દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢબારીયા તાલુકામાં કૃષિ મહોત્સવના યોજાયો હતો. જેમાં પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી બચુભાઇ ખાબડેએ પ્રવચન આપ્યું હતું. તેમાં તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, "ખેડૂત અને ગામડાને સમૃદ્ધ કરવાની નેમ સાથે સરકાર કૃષિ મહોત્સવ દર વર્ષે આયોજીત કરે છે. ખેડૂતોને આધુનિકતા સાથે વૈજ્ઞાનિક ઢબની ખેત પધ્ધતિનું ઘરઆંગણે માર્ગદર્શન સાથે યોજનાઓની જાણકારી કૃષિ મહોત્સવ થકી આપે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકારે રાજ્યના તમામ ખેડૂતોને ખેત ઉત્પાદનની નવીન અને આધુનિક પધ્ધતિઓ, તાંત્રિક જ્ઞાન સાથેની કુશળતા, સુધારેલા બિયારણ, ખાતર, ટપક સિંચાઇ પધ્ધતિ સહિતની અનેક સહાય આપે છે.
મંત્રી બચુભાઇ ખાબડે ખેતી સલગ્ન પશુપાલનને વ્યવસાય તરીકે અપનાવી સુધારેલા પશુઓલાદ ખરીદી દુધ ઉત્પાદન દ્વારા આર્થિક સધ્ધરતા હાંસલ કરવા વિશે કહ્યું હતું કે, રાજય સરકારે સારી ઓલાદના પશુઓની ખરીદીમાં સહાય સાથે ઘાસચારા અને મીલ્કીંગ મશીન ઉપરાંત તબેલા ગમાણ માટે પણ સહાય કરે છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન સન્માન નિધિ યોજનાઓ થકી સરકાર ખેડૂતોને રૂ. ૩ લાખના પાક ધિરાણની યોજના સાથે ખેડૂત અકસ્માત વીમાનું સુરક્ષા કવચ પણ પુરૂ પાડે છે. તેમજ શાકભાજીની ખેતી, ફૂલોની ખેતી, બાગાયતની ખેતી સાથે દર વર્ષે પાકની ફેરબદલી કરી આવકમાં વધારો કરી શકાશે.
આમ, આ કાર્યક્રમમાં ખેડૂતોને વિકાસલક્ષી માહિતી આપીને તેમને વિવિધ યોજનાની જાણકારી આપી હતી. સાથે પ્રગતિશીલ ખેડૂતોને સન્માન કરી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કૃષિ મહોત્સવમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારીઓ અને કૃષિ તજજ્ઞો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને યોજનાકીય જાણકારી સાથે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગના અધિકારીશ્રી જીતુભાઇ સુથાર, નાયબ પશુપાલન નિયામક ડો. ગોસાઇ, દેવગઢબારીયાના પ્રાંત અધિકારી કે.યુ. સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહજી રાઠવા, તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.