દાદરા નગર હવેલીમાં ડોકમરડી ખાતે આવેલ કંપનીમાં બાળ મજૂર કામ કરતા હોવાનું અને કંપની સંચાલકો દ્વારા કંપનીમાં અનેક નિયમોનો ભંગ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં કેટલાક કંપનીમાં કામ કરતા છોકરાઓને તેની ઉંમર, આધાર કાર્ડ, કંપનીમાં કોન્ટ્રાકટ પર કામ કરે છે કે કંપનીમાં વગેરે પૂછવામા આવી રહ્યું છે. જેમાં મોટાભાગના છોકરાઓ પરપ્રાંતીય હોવાનું અને 16 થી 17 વર્ષના હોવાનું કહી રહ્યા છે. આ છોકરાઓમાં કેટલાક પાસે આધાર કાર્ડ સહિતના પુરાવા પણ ન હોવાનો ખુલાસો થયો છે.
આ અંગે વધુ મળતી માહિતી મુજબ દાદરા નગર હવેલીમાં ડોકમરડી ખાતે આવેલ આ કંપનીનું નામ બાલાજી ડોનીયર છે. પરંતુ, કંપની સંચાલકોએ નિયમ મુજબ કંપનીના ગેટ પર કંપનીના નામનુ કોઈ જ બોર્ડ લગાવ્યું નથી. કંપનીના સંચાલકનું નામ સુરેશ નાયક હોવાનું અને ઠેકેદારનું નામ અનિલ સિન્હા હોવાની જાણકારી મળી છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કંપનીમાં મોટાભાગે નિયમ ભંગ કરી બાળ મજૂરોને કામ પર રાખવામાં આવી રહ્યા છે.
ત્યારે, દાદરા નગર હવેલી પ્રશાસને આ અંગે યોગ્ય તપાસ કરી જો કંપનીમાં શરત ભંગ થતી હોય તો તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને બાળ મજૂરના કાયદા તળે સજા કરવી જોઈએ તેવું લોકો ઇચ્છી રહ્યાં છે. આ વીડિયોની પુષ્ટી Etv ભારત કરતું નથી.